Fri May 22 2026

Logo

રાજકોટ પડધરી હત્યા કેસ મામલે ફરજમાં બેદરકારી દાખવનાર 4 પોલીસકર્મી સસ્પેન્ડ

2026-05-22 21:59:20
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામ નજીક બુધવારે રાત્રે યુવરાજસિંહ જાડેજા નામના 40 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળનું મુખ્ય કારણ અગાઉ નોંધાયેલો દુષ્કર્મ અને પોક્સોનો કેસ હોવાનું ખૂલ્યું હતું, જેમાં ભોગ બનનાર મૃતકની ભત્રીજી હતી. 

મળતી વિગતો અનુસાર, આ કેસમાં ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ ફરાર હતા અને તેઓ યુવરાજસિંહ પર કેસ પાછો ખેંચવા તેમજ સમાધાન કરવા માટે સતત દબાણ કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ અંગે યુવરાજસિંહે સમાધાન કરવાની ના પાડી દીધી હતી અને તે બાબતે ઉશ્કેરાયેલા ફરાર આરોપીઓએ તેમની કાર સાથે વાહન અથડાવીને તેમની હત્યા કરી નાખી હોવાનું ખૂલ્યું હતું. 

આ ગંભીર હત્યા પ્રકરણમાં પોલીસની મોટી બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આકરાં પગલાં લીધા લીધા હતા. પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીઓને સમયસર ન પકડવા બદલ પડધરી પોલીસ સ્ટેશનના બે તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડ અને એસ.એન. પરમાર, એક પીએસઆઈ જે.જે. વાળા અને એક એએસઆઈ ભગીરથસિંહ જાડેજા સહિત કુલ 4 પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

ઉલ્લેખનીય છે કે, તત્કાલીન પી.આઈ. એસ.એન. પરમારને દારૂના અન્ય એક કેસમાં બેદરકારી દાખવવા બદલ એક મહિનામાં જ આ બીજી વખત (રિ-સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. રેન્જ આઈજીની આ કડક કાર્યવાહીથી સમગ્ર પોલીસ બેડામાં ભારે સોપો પડી ગયો છે.