(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈરાન સાથે થઈ રહેલી રાજદ્વારી વાટાઘાટો સકારાત્મક દિશામાં આગળ વધી રહી હોવાનું અમેરિકી સચિવ માર્કો રુબિયોએ સંકેત આપવાની સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઊંચી સપાટીએથી પાછી ફરી હોવાના પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને ક્રૂડતેલના ભાવમાં પણ નરમાઈનું વલણ રહેતાં આજે સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ 76 પૈસા ઊંચકાઈને 96ની સપાટીની અંદર ઉતરીને 95.60ના મથાળે બંધ રહ્યો હતો.
ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.36ના બંધ સામે સાધારણ સુધારા સાથે 96.30ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં 96.30 અને ઉપરમાં 95.60 સુધી મજબૂત થયા બાદ અંતે 76 પૈસાના સુધારા સાથે સત્રની ઊંચી 95.60ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 50 પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે હજુ વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ભૂરાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ હોવાથી ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેશે. તેમ છતાં બન્ને દેશો વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ સાથે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવે તો રૂપિયાને ટેકો મળી શકે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 95.50થી 96.30ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
વધુમાં આજે વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર રૂપિયાની નબળાઈને ધ્યાનમાં લેતાં ચાલુ ખાતાની ખાધ અંકુશમાં રાખવા માટે ઘણાં પગલાં વિચારી રહી હોવાનું જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.04 ટકા ઘટીને 99.29 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી 2.18 ટકા વધીને બેરલદીઠ 104.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 231.99 પૉઈન્ટનો અને 64.60 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1891.21 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.