હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં એવરગ્રીન અને બોલ્ડ ગ્લેમર આઈકોન ઝીનત અમાનના અભિનય અને ગીતોનો ક્રેઝ આજે પણ અકબંધ છે. આવું જ એક ગીત છેલ્લાં અનેક વર્ષોથી દરેક પત્નીના દર્દને બયાં કરે છે. ઓફિસે જતા અને નોકરીમાં વ્યસ્ત રહેતા પતિઓ સામે પત્નીઓની જે કાયમી ફરિયાદ હોય છે કે તેમના પતિ તેમને સમય નથી આપતા. આ જ સમસ્યાને લઈને 52 વર્ષ પહેલાં બનેલું એક ગીત આજે 2026માં પણ પત્નીઓનું ઓલ-ટાઇમ ફેવરિટ છે. ચાલો જોઈએ કયું છે આ ગીત અને શું છે પત્નીઓનું દર્દ...
આજના સમયમાં પણ જે પરિણીત પુરુષો ઓફિસની દોડધામ અને નોકરીમાં અતિશય વ્યસ્ત રહે છે, તેમની પત્નીઓની અવારનવાર એ જ ફરિયાદ હોય છે કે તેમના પતિ તેમને પૂરતો સમય આપતા નથી. પત્નીઓના મનની આ જ વાતને વાચા આપતું એક સુપરહિટ ગીત વર્ષ 1974માં રિલીઝ થયું હતું, જેના બોલ છે અને આ ગીત એટલે ‘હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી...’
મશહૂર અભિનેતા અને ડાયરેક્ટર મનોજ કુમારની સુપરહિટ ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન'ના આ ગીતની એક લાઈન આજે પણ દરેક પત્ની પોતાના પતિને સંભળાવવા માટે વાપરે છે અને એ લાઈન એટલે તેરી દો ટકિયા કી નૌકરી મેં મેરા લાખોં કા સાવન જાયે... આ લાઈન એ પત્નીઓ પર એકદમ પરફેક્ટ ફિટ બેસે છે, જેમના પતિઓ મોસમની મજા માણવાને બદલે નોકરી-ધંધાને વધુ મહત્વ આપે છે.
વાત કરીએ આ ગીત કોણે ગાયું હતું એની તો કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકરે આ ગીતને પોતાનો મધુર અને યાદગાર અવાજ આપ્યો હતો જ્યારે સંગીત જગતની સુપરહિટ જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા આ ગીતની સુમધુર ધૂન તૈયાર કરવામાં આવી હતી. આ ગીતના દિલને સ્પર્શી જાય તેવા આ સુંદર બોલ જાણીતા ગીતકાર વર્મા મલિક દ્વારા લખવામાં આવ્યા હતા.
'રોટી કપડા ઔર મકાન' તેના સમયની સૌથી ચર્ચિત અને સામાજિક મુદ્દા પર આધારિત શાનદાર ફિલ્મ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ કમાણી કરી હતી, પરંતુ લતા મંગેશકર અને ઝીનત અમાનની જુગલબંધીવાળા આ ગીત 'હાય હાય યે મજબૂરી' એ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આજે પણ વરસાદની મોસમમાં સોશિયલ મીડિયા પર આ ગીત પર હજારો રીલ્સ (Reels) બને છે અને લોકો તેને ખૂબ જ શોખથી સાંભળે છે.