ભુજ: ગુજરાતના કરછથી રાજધાની દિલ્હીને સીધી રીતે જોડતી રેલવે સેવાનો ભુજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરથી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રાજસ્થાનના પાલી ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે.
ભારતીય રેલવે એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી
મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઇ સ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, ભારતીય રેલ એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે . તેમજ છેલ્લા બાર વર્ષમાં રેલવેનો મોટાપાયે કાયાકલ્પ થયો છે.
A historic moment for Kutch and the Capital! 🚆
— Western Railway (@WesternRly) May 22, 2026
The inaugural flagging off of the first-ever direct train connecting Bhuj and Delhi marks a new chapter in seamless rail connectivity, bringing people, culture, tourism, and opportunities closer than ever before. 🇮🇳
This new… pic.twitter.com/SEUe9ewdxS
હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્વારા આધુનિક રેલવે ક્રાંતિમાં લીડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતે આ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્વારા આધુનિક રેલવે ક્રાંતિમાં લીડ લીધી છે. એટલું જ નહીં પ્રોજેક્ટનો સૌથી વધુ ભાગ 348 km જેટલો ગુજરાતની ધરતી પર નિર્માણ થઈ રહ્યો છે.
રાજ્યમાં 2900 કિલોમિટર નવા ટ્રેકનું નિર્માણ થયું
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 2014 પછી રાજ્યમાં 2900 કિલોમિટર નવા ટ્રેકનું નિર્માણ થયું છે. આ ઉપરાંત રાજ્યમાં 1 લાખ 28 હજાર કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ કાર્યરત છે. 2014ની તુલનાએ 29 ટકા વધુ રકમ એટલે કે 17366 કરોડની રકમ ગુજરાતને રેલવે બજેટ અંતર્ગત આ વર્ષે ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ ગુજરાતને પાંચ વંદે ભારત, એક અમૃત ભારત અને એક નમો ભારત ટ્રેનની ભેટ આપવા સાથે વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે એકતા નગરને રેલવે સેવાઓની કનેક્ટિવિટી આપી છે.
કચ્છના આર્થિક અને સામાજિક વિકાસ માટે પણ ગેમ-ચેન્જર
આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી કચ્છના પ્રવાસીઓને હવે દિલ્હી જવા માટે અન્ય સ્ટેશનો પર ટ્રેન બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ દૈનિક ટ્રેન સેવા માત્ર મુસાફરી પૂરતી મર્યાદિત ન રહેતાં કચ્છના આર્થિક અને સામાજિક વિકાસ માટે પણ ગેમ-ચેન્જર સાબિત થશે.