Mon Jul 27 2026

Logo

એવરેસ્ટ સર કર્યા બાદ નીચે ઊતરતી વખતે બે ભારતીય પર્વતારોહકના મૃત્યુ, પરમિટના નિયમો અંગે વિચાર કરશે નેપાળ સરકાર

2026-05-22 17:48:00
Author: Mumbai Samachar Team
Article Image

કાઠમંડુઃ દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર એક નવો રેકોર્ડ બની ગયો છે. તારીખ 20 મેના એક દિવસમાં 274 પર્વતારોહકે એવરેસ્ટના શિખર પર પહોંચીને નવો ઈતિહાસ બનાવી દીધો હતો. આ ચઢાણ પૂરૂ કર્યા બાદ બે ભારતીય પર્વતારોહક અરૂણકુમાર તિવારી અને સંદીપ નામના બે ભારતીયના મૃત્યુ નીપજ્યા છે. નેપાળના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર બન્ને એવરેસ્ટના શિખર પર પહોંચ્યા બાદ ઊતરતી વખતે અતિશય થાકના ભોગ બન્યા હતા. શેરપા ગાઈડ્સે એવા પણ પ્રયાસ કર્યા કે, એમના જીવ બચે પણ આખરે તેમણે એવરેસ્ટ પરિસરમાં જ અંતિમ શ્વાસ લીધા. 

શરીરમાં એનર્જી જ બચી નહીં

ચઢાણ પૂર્ણ કર્યા બાદ નીચે ઊતરતી વખતે અતિશય થાક હતો અને શરીરમાં ઊર્જા બચી નહોતી. ઊંચાઈને કારણે ભારતીયોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી. આ કારણે બન્ને ભારતીયો ખૂબ પરેશાન થયા હતા. સંદીપ આર, બુધવારે માઉન્ટ એવરેસ્ટના શિખર સુધી પહોંચ્યા, જ્યારે અરૂણકુમાર તિવારી ગુરૂવારે સાંજે 5.30 વાગ્યે એવરેસ્ટના શિખર સુધી પહોંચ્યા હતા. 

જોકે, ત્યાંથી પરત ફરતી વખતે બૈલકની વિસ્તાર અને હિલેરી સ્ટેપ પાસે બન્નેની તબિયત લથડી હતી. આ સિઝનમાં એવરેસ્ટ પર્વતારોહણ માટે આવતા સાહસિકોમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. નેપાળમાંથી મળતા રિપોર્ટ અનુસાર 20 મેના 274 પર્વતારોહકે 8848 મીટરની ઊંચાઈ પર એકસાથે પગ મૂક્યો હતો. એક દિવસીય પર્વતારોહકોની સંખ્યામાં આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. 

પુણે સિટીના ત્રણ સાહસિકોને સલામ

પુણે શહેરના ત્રણ પર્વતારોહક પણ સામેલ હતા જેમણે એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો હતો. હવામાન ચોખ્ખું હોવાને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં પર્વતારોહકો એવરેસ્ટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. નેપાળ સરકારે આ સિઝનમાં કુલ 502 પર્વતારોહક માટે પરમિટ મંજૂર કરી હતી. 20 મેના મોટી સંખ્યામાં પર્વતારોહકો પહોંચતા ઈતિહાસ રચાયો હતો.

આ સંખ્યાએ વર્ષ 2019નો રેકોર્ડ બ્રેક કરી નાંખ્યો હતો. 223 પર્વતારોહકો એ સમયે નોંધાયા હતા. નેપાળ માટે આ સિઝન પ્રવાસ તરીકે ઉત્તમ અને રોજગારીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, જે આર્થિક સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે. વધતી જતી પર્વતારોહકોની સંખ્યાને કારણે ટ્રાફિક જામ, થાક, ઓક્સિજનનો અભાવ અને તબિયત સાથ નહીં આપતા અહીં આવતા લોકોની મુશ્કેલીઓ વધે છે. નિષ્ણાંતો ત્યાં સુધી કહે છે કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ચઢાણ શરૂ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે. 

ઊતરવું એ મોટો પડકાર

માત્ર ચઢાણ જ કપરૂ નથી, સુરક્ષિત રીતે નીચે ઊતરવું એ પણ પડકાર છે. કારણ કે એ સમયે થાક ચરમસીમાએ હોય છે અને ઑક્સિજનની અછત હોય છે. એવામાં હવામાન અચાનક બદલે તો ઠંડીમાં ટકી રહેવું કઠિન બને છે. નેપાળ સરકાર દર વર્ષે પર્વતારોહકોને પરમીટ જાહેર કરે છે. દરેક પરમીટની કિંમત આશરે 15 હજાર ડૉલર હોય છે.એવરેસ્ટ અભિયાન નેપાળ સરકારની અર્થવ્યવસ્થા માટે મોટો અને મહત્ત્વનો સ્ત્રોત છે. આ સાથે સુરક્ષાને લઈને ચિંતા પણ દિવસે દિવસે વધતી જાય છે.