Fri Jun 19 2026

Logo

226 કરોડના ડ્રગ્સ અને ટેરર ફંડિંગ કેસમાં નવા ખુલાસા; દાણીલીમડાના યુવકના વોલેટથી થયો મોટો ઘટસ્ફોટ

2026-05-22 22:37:51
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
તાજેતરમાં જ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 226.54 કરોડના ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ (આતંકવાદી ભંડોળ) સાથે સંકળાયેલા એક મોટા ક્રિપ્ટોકરન્સી-આધારિત નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને આ ઓપરેશન અંતર્ગત અમદાવાદ, મુંબઈ અને કરનાલ સહિત દેશના વિવિધ ભાગોમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં નવા ખુલાસા થયા હતા. 

મળતી વિગતો અનુસાર, તપાસની શરૂઆત ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ કારોબારના એક શંકાસ્પદ આઈપી એડ્રેસ પરથી થઈ હતી. જેમાં એક વેબસાઈટ સાથે સંકળાયેલા ડ્રગ્સ વેન્ડરના ટ્રાન્જેક્શન પર નજર રાખતાં 10 અલગ-અલગ ક્રિપ્ટો વોલેટમાં રકમ ટ્રાન્સફર થતી હોવાનું ખૂલ્યું હતું. જેમાંથી 9 વોલેટ વિદેશી હતા, જ્યારે 1 વોલેટ ભારતનું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે ડિજિટલ વિગતો અને કેવાયસી દ્વારા તપાસ કરતાં આ ભારતીય વોલેટ અમદાવાદના દાણીલીમડાના રહેવાસી મોહસીન મુલાનીનું હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહસીનના ક્રિપ્ટો વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી અને આ દરમિયાન તેના એકાઉન્ટ સાથે બીજા 8 વોલેટ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એક વોલેટ દ્વારા 56 હજાર ડોલરની રકમની લેવડદેવડ થઈ હોવાનું ખૂલ્યું હતું. અન્ય તપાસમાં બીજા  9 ભારતીય વોલેટ રડારમાં આવ્યા હતા. 

ક્રિપ્ટોકરન્સી ઉપરાંત આ નેટવર્ક હવાલા અને આંગડિયાનો પણ વ્યાપક ઉપયોગ કરતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે યુકેમાં બેઠેલો સલમાન ત્યાંથી માહિતી આપતો અને ભારતમાં નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. આ મામલે પોલીસે સલમાનના પિતા ગુલામઅલી અંસારીની પણ ધરપકડ કરી હતી, અને વર્ષ 2023-24  દરમિયાન આ નેટવર્ક થકી આશરે ૨ કરોડ રૂપિયા ભારતમાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું.