Tue Jan 27 2026

Logo

White Logo

૨૫ વર્ષે પકડાયેલા આરોપીએ પોલીસ લોકઅપમાં જ ખાધો ગળેફાંસો, તપાસનો ધમધમાટ

4 days ago
Author: Devayat Khatana
Video

વડોદરા: અમદાવાદની સાબરમતી જેલ બાદ હવે વડોદરાના સાવલી પાસે આવેલા ભાદરવા પોલીસ મથકમાં લોકઅપની અંદર જ એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. મળતી વિગતો અનુસાર, ૬૦ વર્ષીય નિરાલા પ્રસાદ નામના આરોપીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા થોડા દિવસો અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી છેલ્લા ૨૫ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતો, જેને પકડીને ભાદરવા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેણે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે.

મળતી વિગતો અનુસાર, પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના સમાચાર મળતા જ એસડીએમ (SDM) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કસ્ટોડિયલ ડેથની ઘટના હોવાથી સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને એફએસએલ (FSL) ની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આત્મહત્યા પાછળના કારણો અને પોલીસની કોઈ બેદરકારી છે કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 17 જાન્યુઆરીએ વહેલી સવારે કેદીએ પોતાની પાઘડીના કપડા વડે જેલના બાથરૂમમાં જઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. કેદી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં 8 જાન્યુઆરીના રોજ જ સેન્ટ્રલ જેલમાં આવ્યો હતો. જેલમાં આવ્યાનાં 9માં દિવસે જ કેદીએ આપઘાત કરી લીધો હતો.