ગોધરા: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 13591 ખાલી જગ્યાઓ માટેની શારીરિક કસોટીનો 21 જાન્યુઆરીથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરના 15 સ્થળોએ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોલાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ શારીરિક કસોટી દરમિયાન અથવા પૂર્ણ થયા બાદ યુવાનનું મૃત્યુ થયાની ઘટના બની રહી છે. આજે ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગોધરા ખાતે પોલીસ બનાવ માટે શારીરિક કસોટી આપવા આવેલા છોટા ઉદેપુરના એક આશાસ્પદ યુવાન માટે આ દોડ જીવલેણ બની હતી. છોટા ઉદેપુરના કોલિયારી ગામના રહેવાસી જશપાલસિંહ રાઠવાનું આવેલી સવારે દોડતા સમયે શ્વાસ ચડયો હતો અને પિતાની આંખની સામે જ જુવાનજોધ દીકરાનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો યુવકના મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે કચ્છના ૨૫ વર્ષીય યુવાન રવિરાજસિંહ જાડેજાનું શારીરિક કસોટી પૂર્ણ કર્યા બાદ અચાનક તબિયત લથડતા કરુણ મોત નીપજ્યું હતું. પીએસઆઈ (PSI) અને લોકરક્ષકની ભરતી માટે યોજાયેલી ૫ કિલોમીટરની દોડ પૂર્ણ કર્યા બાદ આ યુવાન ઢળી પડ્યો હતો, જેના કારણે સમગ્ર ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવાને ગુરુવારે સવારે પોતાની ૫ કિલોમીટરની દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. દોડ પૂરી કર્યા બાદ જ્યારે તેઓ શરીરને ઠંડુ કરી રહ્યા હતા, ત્યારે જ તેમને અસ્વસ્થતા અનુભવાઈ હતી. સ્થળ પર હાજર તબીબી ટીમે તાત્કાલિક તેમને સારવાર આપી હતી, પરંતુ તેમની હાલતમાં સુધારો ન થતા તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રવિરાજસિંહના પિતા મહેન્દ્રસિંહ પોતે વડોદરામાં સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને આ શારીરિક કસોટી વખતે તેઓ પણ ત્યાં હાજર હતા. રવિરાજસિંહનો આ પોલીસ ભરતીમાં બીજો પ્રયાસ હતો, કારણ કે ગત વર્ષે તેઓ શારીરિક કસોટીમાં ખૂબ જ ઓછા અંતરથી રહી ગયા હતા. આ વર્ષે પોલીસમાં ભરતી થવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ કમનસીબે દોડ પૂર્ણ કર્યાના ગણતરીના સમયમાં જ તેમનું નિધન થતા એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હતો.