Tue Jan 27 2026

Logo

White Logo

ઓટલા પર બેસવું બન્યું મોતનું કારણ! ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવનાર ત્રિપુટીને પોલીસે દબોચી...

13 hours ago
Author: Mayur Patel
Video

B Division Police Station Gandhidham


(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના રોટરી નગર વિસ્તારમાં પાડોશીઓ દ્વારા એક અપરિણીત આધેડને ડીઝલ છાંટીને જીવતો સળગાવી દેવાના રાષ્ટ્રીય સ્તરે ચકચારી બનેલા પ્રકરણમાં, ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ ચકચારી ઘટનાના પગલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકમાં હીરાભાઇ મહેશ્વરીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) સહિતની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 

આ અંગે પોલીસ ઇન્સ્પેકટર એસ.વી. ગોજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં આવેલા સત્રા હજાર ઝુપડા વસાહત પાસે માતા સાથે રહેતા અપરિણીત એવા કરસન નામના આધેડને ઘરની બહાર ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ સાથે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે આરોપીઓએ કરસનને પકડીને માર માર્યો હતો. 

જીવ બચાવવા માટે કરસન પોતાના ઘરના બાથરૂમમાં ભરાઈ ગયો હોવા છતાં આરોપીઓએ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. 

મૃતકે તેના મરણોન્મુખ નિવેદનમાં આ સમગ્ર હકીકત જણાવી હતી. આ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓ બે મહિલા અને ચિમનારામ ગોમારામ મારવાડી નામના શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.