(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: બદલાપુરમાં ઍગ ડોનેટનું રૅકેટ બહાર આવ્યા બાદ થાણે જિલ્લાના અન્ય શહેરોમાં પણ આવા પ્રકરણ બહાર આવી રહ્યા છે, જેમાં થાણેની એક પ્રખ્યાત હૉસ્પિટલમાં લાઈસન્સ વગર ચાલી રહેલા આઈવીએફ સેન્ટરમાં આવો જ પ્રકારનો ગેરપ્રકાર ચાલી રહ્યો હોવાનું બહાર આવ્યા બાદ થાણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ હૉસ્પિટલની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી હતી અને સોનોગ્રાફી મશીન પરણ સીલ કર્યા હતા. આ બનાવ બાદ થાણેના તમામ આઈવીએફ અને સોનોગ્રાફી સેન્ટરની તપાસ કરવાનો નિર્દેશ થાણેના મેયરે પ્રશાસનને આપ્યો હતો.
ગરીબ મહિલાઓને પૈસાની લાલચ આપીને તેમને ઈંજેકશન દ્વારા ગર્ભમાં વધુમાં વધુ બીજ તૈયાર કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી ત્યારબાદ આ બીજ કાઢીને લાખો રૂપિયામાં વેચવામાં આવતા હતા. બાળકો ન હોય તેવા કપલ તરફથી મોટી રકમ લઈને તેમને ગેરકાયદે રીતે વેચવામાં આવતું હતું.
આ દરમ્યાન થાણેમાં પ્રખ્યાત હૉસ્પિટલની માન્યતા નહીં ધરાવતા આઈવીએફ સેન્ટર પર છ માર્ચના થાણે પાલિકાના આરોગ્ય વિભાગે છાપો માર્યો હતો. આ કાર્યવાહીમાં સેન્ટરની માન્યતા રદ કરી હતી. તેમ જ મેયર થાણે મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ આઈવીએમ સેન્ટરની તાત્કાલિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ આ પ્રકરણમાં તપાસ નિયમિત ધોરણે કરીને પ્રશાસનને દર અઠવાડિયે તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.