મુંબઈ: હવે રાતનાઆ સમયે પણ જો ટિકિટ લીધા વિના મુસાફરી કરી તો તમને 500 રૂપિયાનો ફટકો પડી શકે છે. કારણ કે પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે રાત્રિના સમયે પણ ખુદાબક્ષ મુસાફરો વિરુદ્ધની કાર્યવાહી વધુ કડક કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ રાત્રે મુસાફરી કરતી મહિલા મુસાફરોની સુરક્ષા તેમજ સ્ટેશન પર થતી શંકાસ્પદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વિશેષ ‘બેટમેન’ પથક તૈનાત કરવામાં આવશે.
ચર્ચગેટથી વિરાર વચ્ચેના ઉપનગરી રેલવે સ્ટેશનો તેમજ લોકલ ટ્રેનોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ વિશેષ પથક રાતપાળી કરશે. આ દરમિયાન મુસાફરોની ટિકિટ તપાસવાની સાથે સ્ટેશન પરિસર અને ટ્રેનોમાં થતી શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે. રાત્રિના સમયે નિયમિત ટિકિટ તપાસનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી કેટલાક મુસાફરો ખુદાબક્ષ અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા હોય છે. આ ઉપરાંત રાત્રિના સમયે સ્ટેશન પરિસરમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનું પણ રેલવે માટે પડકારરૂપ બને છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ‘બેટમેન’ પથકની રચના કરવામાં આવી છે. આ પથકની કામગીરી માત્ર ટિકિટ તપાસ સુધી મર્યાદિત નહીં રહે. કોઈ શંકાસ્પદ હિલચાલ અથવા જોખમના સંકેતો જોવા મળે તો તેના પર પણ તાત્કાલિક ધ્યાન આપવામાં આવશે. રાત્રિના સમયે મુસાફરી કરતી મહિલા મુસાફરોની સુરક્ષા પર પણ ‘બેટમેન’ પથક વિશેષ ધ્યાન આપશે. પથકના કર્મચારીઓ મુસાફરો સાથે સંવાદ સાધીને રેલવેના નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ ફેલાવશે.
આ રીતે ‘બેટમેન’ પથક માત્ર દંડાત્મક કાર્યવાહી કરનાર ટીમ નહીં રહે, પરંતુ રાત્રિના સમયે મુસાફરો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. રાત્રિના સમયે ટિકિટ તપાસ વધારવાથી ખુદાબક્ષ મુસાફરી પર નિયંત્રણ લાવવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થવાની અપેક્ષા છે. મુસાફરોને ડિજિટલ માધ્યમથી ટિકિટ બુક કરવા માટે પણ પ્રોત્સાહન મળશે.
પશ્ચિમ રેલવે દ્વારા ખુદાબક્ષ મુસાફરીને રોકવા માટે સ્ટેશન તપાસ, સઘન તપાસ, અચાનક તપાસ અને મેગા ટિકિટ ચેકિંગ જેવી વિવિધ ઝુંબેશ પહેલેથી જ ચલાવવામાં આવે છે. હવે રાત્રિના ‘બેટમેન’ પથકથી આ કામગીરીને વધુ વેગ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન પશ્ચિમ રેલવેએ 11.30 લાખથી વધુ ખુદાબક્ષ અને અનિયમિત મુસાફરો તેમજ બિનઆરક્ષિત સામાન લઈ જતા મુસાફરો સામે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 83.25 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મુંબઈ વિભાગની ઉપનગરીય લોકલ ટ્રેનો ઉપરાંત મેલ-એક્સપ્રેસ અને વિશેષ ટ્રેનોમાં પણ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રાત્રિના સમયે ટિકિટ તપાસ અને મુસાફરોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ‘બેટમેન’ પથક ટૂંક સમયમાં સક્રિય કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ પથક રાત્રિના સમયે સ્ટેશનો અને લોકલ ટ્રેનોમાં ગસ્ત તેમજ ટિકિટ તપાસ શરૂ કરશે.
આ નિર્ણયથી રાત્રિના સમયે ખુદાબક્ષ મુસાફરી પર અંકુશ આવશે અને મહિલા સહિત તમામ મુસાફરોને લોકલ પ્રવાસ દરમિયાન વધુ સુરક્ષિત વાતાવરણ મળવાની અપેક્ષા છે.