Thu Sep 03 2026

Logo

થાણેમાં બસમાં મહિલાઓના દાગીના ચોરનારા રેકોર્ડ પરના ત્રણ આરોપી પોલીસના સકંજામાં

2026-08-28 18:02:18
Author: Yogesh D. Patel
થાણેમાં બસમાં મહિલાઓના દાગીના ચોરનારા રેકોર્ડ પરના ત્રણ આરોપી પોલીસના સકંજામાં

થાણે: થાણેમાં બસમાં પ્રવાસ દરમિયાન મહિલાઓના સોનાના દાગીના ચોરનારા રેકોર્ડ પરના ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડી લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી ચોરીના 20.53 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.આરોપીઓની ધરપકડ કરીને પોલીસે ચોરીના છ કેસ ઉકેલી કાઢ્યા હતા, જે છેલ્લા બે મહિનામાં બન્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

થાણેમાં 61 વર્ષની વૃદ્ધા 20 જુલાઇએ લુઇસવાડી બસસ્ટોપ પરથી બસમાં ચઢી રહી હતી ત્યારે તેની સોનાની બંગડી ચોરાઇ હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે એ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદો નજરે પડ્યા હતા. પોલીસે એ ફૂટેજને આધારે શકમંદોની શોધ ચલાવી હતી.દરમિયાન પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપી કપિલ સુરેશ તિદાંગે (38) અને પૂર્ણિમા તિદાંગે ઉર્ફે કલ્લુ કલ્પના (32)ની 3 ઑગસ્ટે, જ્યારે દીપક અભંગ (48)ની 21 ઑગસ્ટે ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આરોપી ચોરીના છ ગુનામાં સામેલ હતા, જે નૌપાડા, થાણે નગર અને રાબોડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા, એવું તપાસમાં સામે આવ્યું હતું. આરોપીઓ પાસેથી ચોરીની છ બંગડી હસ્તગત કરવામાં આવી હતી. (પીટીઆઇ)