Fri Sep 04 2026

Logo

નવો પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોર મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશેઃ રેલવે પ્રધાને કરી મોટી જાહેરાત

2026-09-03 18:09:32
Author: Mumbai Samachar Team
નવો પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોર મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશેઃ રેલવે પ્રધાને કરી મોટી જાહેરાત

સુરતથી ડાનકુની વચ્ચે પ્રસ્તાવિત કોરિડોરથી પશ્ચિમ મહારાષ્ટ્ર અને નાશિક સહિતના વિસ્તારોને મળશે સીધો લાભ

મુંબઈઃ કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા નવા પૂર્વ-પશ્ચિમ રેલ કોરિડોરની રૂપરેખા મહારાષ્ટ્રના એવા અનેક વિસ્તારોને જોડવા માટે તૈયાર કરવામાં આવી રહી છે જ્યાં અત્યાર સુધી રેલવે સુવિધા ઉપલબ્ધ નથી, અને તેનાથી રાજ્યમાં ઔદ્યોગિક તથા ગ્રામીણ વિકાસને મોટો વેગ મળશે, એમ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું.

સીએસએમટી -સાવંતવાડી રોડ એક્સપ્રેસને લીલી ઝંડી

દિલ્હીથી વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા નવી સીએસએમટી -સાવંતવાડી રોડ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવા માટે અહીં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત અને ડાનકુની વચ્ચે પ્રસ્તાવિત પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં માલવાહક અને મુસાફર સેવાઓ માટે સમર્પિત વ્યવસ્થા હશે અને તે પશ્ચિમ મહારાષ્ટ્ર, નાશિક તથા અન્ય વિસ્તારોને જોડશે.

પુણેમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂર્વી- પશ્ચિમી ફ્રેઇટ કોરિડોરને જોડવા અને તેમને નવા ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રો સાથે જોડવાનું સૂચન કર્યા બાદ સમગ્ર ટીમે આ પ્રસ્તાવ પર કામ કર્યું હતું, એમ વૈષ્ણવે જણાવ્યું હતું.

પૂર્વી- પશ્ચિમી 'ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર'નું કામ પૂર્ણ

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે પૂર્વી- પશ્ચિમી 'ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર'નું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે જવાહરલાલ નેહરુ પોર્ટથી દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભાગો સુધી માલની હેરફેરને સરળ બનાવીને મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે. સાથે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) ખાતેની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે અને મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારોનો ઔદ્યોગિક વિકાસ થશે.

૧૦ ટકા વધતા મુસાફરોની અવરજવરમાં સુધારો થશે

મુંબઈના સબર્બન રેલવે નેટવર્કનો ઉલ્લેખ કરતા વૈષ્ણવે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં આશરે ૩,૨૦૦ લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન કરવામાં આવે છે અને સેવાઓની સંખ્યામાં લગભગ ૧૦ ટકાનો વધારો કરવાથી મુસાફરોની અવરજવરમાં સુધારો થશે. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, પ્રધાન  નિતેશ રાણે અને મુંબઈના મેયર રીતુ તાવડે ઉપસ્થિત રહ્યા હતા.