સુરત: જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે ગત રાત્રે આગની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર આવેલા વાહનોના સ્પેરપાર્ટ્સના એક વિશાળ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગના ગોટા આકાશમાં ઉંચે સુધી દેખાવા લાગ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સદનસીબે, રાત્રિનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
આગ એટલી વિશાળ હતી કે તેણે ગોડાઉનની અંદર રહેલા વાહનોના પાર્ટ્સની સાથે બહારના ભાગમાં પાર્ક કરેલી 15થી વધુ કારને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. થોડા જ સમયમાં લાખો રૂપિયાની કિંમતની આ કારો બળી ને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ વારંવાર નાના બ્લાસ્ટ પણ સંભળાયા હતા, જે કદાચ વાહનોની ટાંકી કે ટાયરો ફાટવાને કારણે હોઈ શકે છે. આ દુર્ઘટનામાં ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ કામરેજ, સુમિલોન અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બિગેડ દ્વારા પાણીનો સતત મારો ચલાવી ભારે મહેનત બાદ આગ પર અંકુશ મેળવી શકાયો હતો. બીજી તરફ, હાઈવે પર આગને કારણે ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે મોરચો સંભાળ્યો હતો અને વાહનોની અવરજવરને નિયંત્રિત કરી હતી. કલાકો સુધી ચાલેલા ઓપરેશન બાદ સ્થિતિ થાળે પડી હતી.
આ ભીષણ આગ પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે દિશામાં પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે. હાઈવે જેવા સંવેદનશીલ વિસ્તારમાં લાગેલી આ આગે સ્થાનિક ઉદ્યોગકારો અને રહેવાસીઓની સુરક્ષા સામે ફરી એકવાર ચિંતા જગાવી છે.