Tue Jan 27 2026

Logo

White Logo

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે દીપડીનું મોત, વન વિભાગે તપાસ તેજ કરી

1 day ago
Author: Mumbai Samachar Team
Video

અમરેલી: સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા વન્યજીવોનો વસવાટ હોવાથી અવારનવાર રહેણાંક વિસ્તારોમાં તેમના આટાફેરાના વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ હવે આ વન્યજીવો માટે નેશનલ હાઈવે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. ભાવનગર-સોમનાથ હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિને કારણે વન્યપ્રાણીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નેશનલ હાઈવે પર એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. અહીં રસ્તો ક્રોસ કરી રહેલી એક દીપડીને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે દીપડીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.

અકસ્માતની જાણ થતા જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગની ટીમે મૃતક દીપડીના દેહને કબજે કરી પંચનામું કર્યું હતું અને ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ તેમજ આગળની કાર્યવાહી માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં વન વિભાગ દ્વારા હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નોંધનીય છે કે આ હાઈવે પર વન્યજીવોના અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ એક મહિના પહેલા જ આ જ નેશનલ હાઈવે પર એક સિંહ પણ વાહનની અડફેટે આવ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે વન વિભાગની કામગીરી અને હાઈવે પર વન્યજીવોની સુરક્ષા માટેના સ્ટાફની અછત સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. હાઈવે પર વન્યજીવોની અવરજવર વાળા વિસ્તારોમાં સ્પીડ બ્રેકર કે સાઈન બોર્ડ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.