Mon Sep 07 2026

Logo

સુનેત્રા પવારને બધી જ જાણ હોય છે, અમારી પાર્ટીમાં કોઈ ગેરસમજ નથી: સુનીલ તટકરે

2026-07-16 21:14:12
Author: Mumbai Samachar Team
સુનેત્રા પવારને બધી જ જાણ હોય છે, અમારી પાર્ટીમાં કોઈ ગેરસમજ નથી: સુનીલ તટકરે

મુંબઈ: અમારા પક્ષમાં કોઈ ગેરસમજ નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અંગે હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે, તે ખોટી છે. શરદ પવાર જૂથના ધારાસભ્ય જયંત પાટીલ અને અમારી મુલાકાત પણ થઈ નથી, એવું રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરેએ જણાવ્યું હતું તેમ જ પક્ષમાં ક્યારેય અવિશ્વાસ હોય, એવું ક્યારેય સાંભળ્યું નથી, તેમ પણ સુનીલ તટકરેએ સ્પષ્ટ કર્યું હતું.

અજિતદાદા હતા ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વિલીનીકરણની ચર્ચાઓ થઈ હતી. પરંતુ અજિતદાદાના નિધન બાદ વિલીનીકરણની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું, એવું પણ સુનીલ તટકરેએ જણાવ્યું હતું. 
આ સિવાય જ્યારે પણ રાજકીય બેઠકો હોય છે, ત્યારે સુનેત્રા પવારને તે અંગેની માહિતી હોય છે. હું ૪૦ વર્ષથી રાજકારણમાં છું. મને પ્રોટોકોલ ખબર છે, એવું સુનીલ તટકરેએ સ્પષ્ટ કર્યું હતું. 

આ ઉપરાંત, સુનીલ તટકરે અને પ્રફુલ પટેલે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે થયેલી બેઠક અંગે સુનેત્રા પવારને અંધારામાં રાખ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ સુનેત્રા પવાર અને અમારી વચ્ચે સારું ટ્યુનિંગ છે. અમે સુનેત્રા પવારને બધી જ વાતો જણાવીએ છીએ, એવું પણ સુનીલ તટકરેએ કહ્યું હતું.