Sat Sep 05 2026

Logo

રાજ્યમાં વરસાદની ઘટથી ચિંતા! CM ભૂપેન્દ્ર પટેલે લોકોને શું કરી અપીલ?

2026-07-16 21:54:48
Author: Devayat Khatana
રાજ્યમાં વરસાદની ઘટથી ચિંતા! CM ભૂપેન્દ્ર પટેલે લોકોને શું કરી અપીલ?

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ છે અને છૂટાછવાયા ઝાંપટા સિવાય વરસાદ આવતો નથી. આને કારણે ખેડૂતોને વાવણીમાં પણ સમસ્યા આવી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર પણ સર્તક થઈ ગઈ છે અને મળતી માહિતી અનુસાર મુખ્ય પ્રધાને અધિકારીઓને બદલાતી પરિસ્થિતિ પર નજર રાખવા અને ખાસ કરીને પીવાના પાણીનો સંગ્રહ રાખવા તાકીદ કરી છે. રાજ્યના 206 જળાશયમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

પ્રધાનમંડળે રાજ્યના અનેક પ્રદેશોમાં સામાન્યથી ઓછા વરસાદને પગલે પાણીની ઉપલબ્ધતાની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જળ સંસાધન વિભાગના અધિકારીઓએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત મુખ્ય જળાશયોમાં સંગ્રહની સ્થિતિ રજૂ કરી હતી અને નહેર નેટવર્ક દ્વારા પાણીની ઉપલબ્ધતા અંગે મુખ્ય પ્રધાન સહિત પ્રધાનમંડળને માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રધાને પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. નર્મદા ડેમ અને નહેર નેટવર્કમાંથી પાણીનું વ્યવસ્થાપન એવી રીતે થવું જોઈએ કે રાજ્યમાં ક્યાંય પણ પીવાના પાણીની અછતની ફરિયાદ ન રહે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે કૃષિ વિભાગને મોડા ચોમાસાને કારણે થયેલા પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ કરવા કહેવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં ખેડૂતોએ વાવણીની કામગીરી પૂર્ણ કરી દીધી હતી, પણ વરસાદ ન આવતા વાવણી પછી લાંબા સમય સુધી સૂકા વાતાવરણને કારણે ઘણા વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાણી વ્યવસ્થાપન અથવા રાહત પગલાં અંગે કોઈ વધુ નિર્ણય લેતા પહેલા સરકાર આગામી દિવસોમાં જળાશયના સ્તર અને વરસાદ બંને પર સતત નજર રાખી રહી છે.