Sun Sep 13 2026

Logo

માત્ર 5000 રૂપિયા માટે પડોશીએ મહિલાને જીવતી સળગાવી, બે બાળકે માતા ગુમાવી

2026-07-16 21:44:35
Author: Devayat Khatana
માત્ર 5000 રૂપિયા માટે પડોશીએ મહિલાને જીવતી સળગાવી, બે બાળકે માતા ગુમાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
આજના મોંઘવારીના યુગમાં 5000 રૂપિયાની ખાસ કિંમત નથી, પરંતુ પાલનપુરમાં એક ગરીબ પરિવારની મહિલાએ 5000 રૂપિયા માટે જિંદગી ગુમાવવી પડી હતી અને તેનાં બે બાળક માતા વિનાના થઈ ગયા હતા. 

ઘટનાની મળતી વિગતો અનુસાર પાલનપુરમાં રહેતી 35 વર્ષીય પિંકી પટણી ફળ અને શાકભાજી વેચી બે સંતાનનું ગુજરાન ચલાવતી હતી. પૈસાની જરૂર ઊભી થતા તેણે એકાદ મહિના પહેલા પડોશી બાબુ રાવલ પાસેથી રૂ. 5000 ઉછીના લીધા હતા. 

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, રાવલ વારંવાર વ્યાજ સહિત પૈસા પરત કરવાનું કહી રહ્યો હતો.  જોકે મૃતકે પૈસા ન હોવાથી થોડા વધુ દિવસો માગ્યા હતા. રવિવારે પિંકી અન્ય એક પાડોશી સાથે આ ચૂકવણી અંગે વાતચીત કરતી હતી ત્યારે બાબુ ત્યાં આવ્યો હતો અને તેની સાથે કોઈ જ્વલનશીલ પદાર્થ ભરેલું વાસણ હતું. બાબુ સાથે દલીલ થતાં તેણે આ પ્રવાહી મહિલા પર રેડી દીધું હતું અને આગ લગાવી દીધી હતી. 

મહિલા આગની જ્વાળાઓ સાથે રસ્તા પર દોડી હતી. આસપાસના લોકોએ 108 બોલાવી તેને ધારપુર સિવિલ હૉસ્પિટલ ખસેડી હતી. પોલીસ પણ હૉસ્પિટલ પહોંચી હતી અને તેણે મહિલાનું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) લીધું હતું. જોકે તેની હાલત ખરાબ થતા તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, અહીં તેનું મોત નિપજ્યું હતું. 

મળતી માહિતી અનુસાર બાબુ રાવલ પણ 40 ટકા દાઝી ગયો હતો અને તે ધારપુર હૉસ્પિટલમાં પોલીસની દેખરેખ નીચે સારવાર લઈ રહ્યો છે. આ ઘટના પાછળ માત્ર રૂ. 5000 જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે આ ઘટનામાં બે સંતાને માતા ગુમાવી છે.