(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ભારે ચંચળતા, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સાંકડી વધઘટે અથડાઈ ગયેલા સ્થાનિક ઈક્વિટી માર્કેટ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી અને આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 17 પૈસાના ઘટાડા સાથે 96.42ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.28ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.42 અને ઉપરમાં 96.22ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના ઘટાડા સાથે 96.42ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટ્યો હતો.
અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલાઓને કારણે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન અમેરિકા સાથે ડીલ કરવા ઈચ્છી રહ્યું હોવાનું જણાવ્યું હોવાથી ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી જોવા મળેલા ઘટાડા અને સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં નીચી સપાટીએથી થોડો સુધારો જોવા મળ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળામાં ડૉલર સામે રૂપિયો 96.10થી 96.60ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.02 ટકા વધીને 100.50 આસપાસ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.39 ટકાના સાધારણ ઘટાડા સાથે બેરલદીઠ 84.62 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સેન્સેક્સમાં સાધારણ 1.44 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, જ્યારે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 5.75 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 735.83 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.