Sun Sep 06 2026

Logo

NEET પેપર લીક કૌભાંડ: મોટેગાવકરના ફોનમાંથી મળ્યા કેમેસ્ટ્રીના 132 પ્રશ્ન, CBI તપાસમાં મોટો ખુલાસો

2026-07-16 21:10:12
Author: Mumbai Samachar Team
NEET પેપર લીક કૌભાંડ: મોટેગાવકરના ફોનમાંથી મળ્યા કેમેસ્ટ્રીના 132 પ્રશ્ન, CBI તપાસમાં મોટો ખુલાસો

મુંબઈ: સીબીઆઈ (CBI)ની તપાસમાં નીટ (NEET) પેપર લીક કૌભાંડને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી પી. વી. કુલકર્ણી સાથે સંકળાયેલા શિવરાજ મોટેગાવકરે કેમેસ્ટ્રીના પ્રશ્નો મેળવવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. મોટેગાવકરના મોબાઈલમાંથી કેમેસ્ટ્રીના 132 પ્રશ્નો અને પ્રશ્નપત્રની 36 ઈમેજ મળી આવી છે, જેમાંથી 111 પ્રશ્નો બેઠા નીટની પરીક્ષામાં પુછાયા હતા. 
આ કૌભાંડના તાર મહારાષ્ટ્રના નાશિક, પુણે, લાતુર અને બીડ સાથે જોડાયેલા છે. હાલમાં CBI દ્વારા આરોપીઓના બેંક ખાતાઓ અને લોકર્સની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં મોટા આર્થિક વ્યવહારો બહાર આવવાની શક્યતા છે.

નીટ પેપર લીક કૌભાંડને કારણે દેશભરમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી ભૂખ હડતાળ પર ઉતર્યા છે અને તેમની તબિયત બગડતાં દેશભરમાંથી તેમને ભારે સમર્થન મળી રહ્યું છે. 

બીજી તરફ, સીબીઆઈએ કાર્યવાહી તેજ કરીને મહારાષ્ટ્રના નાશિક, પુણે, લાતુર અને બીડમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર પી. વી. કુલકર્ણી સાથે સંકળાયેલા શિવરાજ મોટેગાવકરે કેમેસ્ટ્રીના પ્રશ્નો મેળવવા માટે પાંચ લાખ રૂપિયા આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સીબીઆઈ તપાસમાં થયો છે.

દરમિયાન, એવી પણ માહિતી સામે આવી હતી કે મોટેગાવકરે આ પ્રશ્નો પી.વી. કુલકર્ણી પાસેથી મેળવ્યા હતા. સીબીઆઈની તપાસમાં મોટેગાવકરના ફોનમાંથી કેમેસ્ટ્રીના ૧૩૨ પ્રશ્નો મળી આવ્યા હતા તેમ જ પ્રશ્નપત્રની ૩૬ ઈમેજ પણ મોટેગાવકરના મોબાઈલમાંથી મળી આવી હતી. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો કે, મોટેગાવકર પાસે રહેલા ૧૩૨ પ્રશ્નોમાંથી ૧૧૧ પ્રશ્નો બેઠા નીટની પરીક્ષામાં પૂછાયા હતા.

બીજી તરફ, નીટ પેપર લીક કેસની તપાસમાં હવે મોટા આર્થિક વ્યવહારોની આશંકા સેવાઈ રહી છે. સીબીઆઈ દ્વારા હવે મુખ્ય આરોપી શિવરાજ મોટેગાવકર અને તેના પરિવારના બેંક ખાતાઓ તેમજ લોકર્સની તપાસ શરૂ કરવામાં આવી છે. આ લોકર્સમાંથી મોટી માત્રામાં રોકડ, ગેરકાયદે મિલકતના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળવાની પ્રબળ શક્યતા છે.