ભારતીય રેલવેની શાન ગણાતી 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'શતાબ્દી એક્સપ્રેસ' બંને પોતાની ઝડપ અને આધુનિક સુવિધાઓ માટે જાણીતી છે. જોકે, દિલ્હીમાં એક એવું રેલવે સ્ટેશન છે જ્યાં આ બંને સુપરફાસ્ટ ટ્રેનો વચ્ચે અવારનવાર હરીફાઈ જોવા મળે છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રોજ સવારે આવું દ્રશ્ય સર્જાય છે. ચાલો તમને જણાવીએ આ પાછળની આખી સ્ટોરી...
કેમ થાય છે આ બંને ટ્રેનો વચ્ચે રેસ?
આ રેસનું મુખ્ય કારણ બંને ટ્રેનોનો એક જ સમયે થતો પ્રસ્થાન સમય છે. નવી દિલ્હી - વારાણસી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22436) અને નવી દિલ્હી - રાની કમલાપતિ શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નં. 12002) બંને સવારે બરાબર 6.00 વાગ્યે નવી દિલ્હી સ્ટેશનથી રવાના થાય છે. આથી, બંને ટ્રેનો નજીકની પાટા (Tracks) પર સાથે દોડતી જોવા મળે છે.
ક્યાં સુધી ચાલે છે આ રોમાંચક મુકાબલો?
બંને ટ્રેનો વચ્ચેની આ હરીફાઈ મુખ્યત્વે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી તિલક બ્રિજ રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળે છે. આ આખી ટાઈમટેબલ અને સ્પીડની રમત છે. ટાઈમ ટેબલ મુજબ, શતાબ્દી એક્સપ્રેસ સવારે 06.02 વાગ્યે તિલક બ્રિજ પહોંચે છે, જ્યારે વંદે ભારત 06.03 વાગ્યે ત્યાંથી પસાર થાય છે. એટલે કે શરૂઆતમાં શતાબ્દી માત્ર એક મિનિટ આગળ રહે છે. વંદે ભારત એક્સપ્રેસ માત્ર 52થી 55 સેકન્ડમાં 0થી 100 કિમી/કલાકની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે. તેથી, પાછળ રહ્યા પછી પણ તે પળવારમાં શતાબ્દીની આગળ નીકળી જાય છે.
આ બે-ત્રણ મિનિટની રોમાંચક રેસ પછી બંને ટ્રેનો પોતાના નિર્ધારિત રૂટ પર ફંટાઈ જાય છે. તિલક બ્રિજ બાદ શતાબ્દી એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીન અને આગ્રા થઈને ભોપાલ તરફ જાય છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ આનંદ વિહાર, કાનપુર અને પ્રયાગરાજ થઈને વારાણસી પહોંચે છે. મુસાફરો માટે સવારના સમયે આ બંને ટ્રેનોની ગતિ અને તેમની વચ્ચેની આ ટક્કર જોવી એ એક લ્હાવો હોય છે, જે ભારતીય રેલવેના આધુનિકીકરણની ઝલક પણ આપે છે.