(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વરસાદનું ઘર કહેવાતા અષાઢ મહિનાનો આરંભ થઈ ગયો છે, ત્યારે આ વર્ષે રાજ્યના સરેરાશ 25.10 વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.29 ટકા, પૂર્વ ગુજરાતમાં 17.83 ટકા, મધ્ય ગુજરાતમાં 14.39 ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો માત્ર 14.39 ટકા વરસાદ પડ્યો છે. અત્યારની સ્થિતિએ પાણીનો સંગ્રહ સરેરાશ 50.24 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યના 207 ડેમોમાંથી મુખ્ય સરદાર સરોવર ડેમ સહિત પાંચ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. એકંદરે જોઈએ તો, રાજ્યભરના જળાશયોમાં હાલમાં 12689.87 એમસીએમ જેટલો કુલ પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે, જે ચોમાસાની ચાલુ સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમોની વાત કરીએ તો ત્યાં સંગ્રહ ક્ષમતા 39.19 ટકા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 40.76 ટકા પાણી ભરાયેલું છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં પાણીનો સંગ્રહ 48.05 ટકા નોંધાયો છે. જળાશયોની સુરક્ષાના ભાગરૂપે, વિવિધ ડેમો પર ચેતવણીના સ્તર પણ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં 12 ડેમો 'હાઈ એલર્ટ' પર છે, જે દર્શાવે છે કે આ ડેમો 90 ટકાથી વધુ ભરાયેલા છે.
આ ઉપરાંત 2 ડેમ 'એલર્ટ' પર અને 11 ડેમ 'ચેતવણી'ના સ્તર પર છે. વરસાદની સ્થિતિ જોતા, છેલ્લા 27 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમ વિસ્તારમાં 30 મીમી અને પીગુત ડેમમાં 28 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.
જુદા જુદા જિલ્લાના જળાશયોના જળ સંગ્રહના આંકડાઓ જોઈએ તો અરવલ્લીમાં 44.06 ટકા, બનાસકાંઠામાં 18.90 ટકા, મહેસાણામાં 41.56 ટકા, સાબરકાંઠામાં 37.58 ટકા, છોટા ઉદેપુરમાં 69.51 ટકા, દાહોદમાં 41.56 ટકા, મહીસાગરમાં 42.90 ટકા, પંચમહાલમાં 47.50 ટકા, ભરૂચમાં 36.55 ટકા, નર્મદામાં 42.80 ટકા, નવસારીમાં 9.62 ટકા, સુરતમાં 31.08 ટકા, તાપીમાં 34.18 ટકા, વલસાડમાં 40.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. જો કે ખેડા જિલ્લામાં જળસંગ્રહની સ્થિતિ શૂન્ય ટકા પહોંચી જતાં ચિંતાજનક થઈ ગઈ છે.