(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે જગન્નાથ પૂરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા બાદની દેશની બીજા નંબરની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા ધામધૂમ, ભક્તિમય માહોલ અને રંગેચંગે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીએ નગરચર્યા કરી હતી. ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાથના દર્શન માટે ઉમટ્યાં હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રથયાત્રાના પાવન અવસરે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થયા હતા અને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા.
અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન-અર્ચન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે સતત પાંચમી વખત ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ તેઓ ભગવાનના મુખ્ય રથને નગરયાત્રા માટે મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ વિધિમાં સહભાગી થયા હતા. મુખ્ય પ્રધાને રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી, અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભે ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રથયાત્રાનો જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રારંભ થયો હતો, જ્યાં રથને ભવ્ય શણગાર સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તાઓ પર ઉભરાતી ભીડમાં ભક્તોની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ નજરે દેખાયો હતો. મંદિરથી રવાના થયા બાદ ત્રણેય રથ સરસપુર મોસાળમાં પહોંચ્યા હતા, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને રથ સુધી ભગવાનનું મામેરું લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી ભગવાનના રથ શાહપુર, દિલ્હી દરવાજા, ઘીકાંટા તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન પણ હજારો શ્રધ્ધાળુઓએ પ્રભુના દર્શનનો લાભ લીધો હતો.