મુંબઈ: બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતેની રિજનલ પાસપોર્ટ ઓફિસને આજે બોમ્બની ધમકીનો ઇમેઇલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ અને બોમ્બ સ્કવોડે પાસપોર્ટ ઓફિસ અને તેના પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. જોકે કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં બોમ્બની વાત અફવા સાબિત થઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રિજનલ પાસપોર્ટ ઓફિસને આજે સવારે ઇમેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં બોમ્બબ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ઇમેઇલમાં તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટેલિનના પત્ની દુર્ગા સ્ટેલિન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી અને દાવો કરાયો હતો કે તેણે મહંમદ પયગંબરનું અપમાન કર્યું છે.
દરમિયાન ધમકીભર્યો ઇમેઇલ પ્રાપ્ત થયા બાદ તેની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેને પગલે અધિકારીઓ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસ તેમ જ બીડીડીએસ દ્વારા પાસપોર્ટ ઓફિસમાં ખૂણેખાંચરે તપાસ કરવામાં આવી હતી, પણ કશું વાંધાજનક કે શંકાસ્પદ મળી આવ્યું નહોતું.
પોલીસ હવે ધમકીભર્યો ઇમેઇલ મોકલનારી વ્યક્તિની શોધ ચલાવી રહી છે. નોંધનીય છે કે થોડા સપ્તાહ અગાઉ દક્ષિણ મુંબઈમાં આવેલી એસ્પ્લેનેડ કોર્ટને પણ બોમ્બની ધમકીનો ઇમેઇલ મળ્યો હતો. અજાણી વ્યક્તિએ મોકલેલા ઇમેઇલમાં કોર્ટમાં બોમ્બ રખાયો હોવાનો દાવો કર્યો હતો. પોલીસ અને બોમ્બ સ્કવોડે તાત્કાલિક ઘટનાસ્થળે જઇને કોર્ટ તથા પરિસરમાં તપાસ કરી હતી, પણ કશું શંકાસ્પદ મળી આવ્યું નહોતું.