કાર્ડિફઃ અહીં ભારતીય સમય અનુસાર ગુરુવારે સાંજે 5.30 વાગ્યે શરૂ થયેલી સિરીઝની બીજી વન-ડેમાં બૅટિંગ મળ્યા બાદ ભારતનો દાવ 44 ઓવરમાં 233 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો અને યજમાન ઇંગ્લૅન્ડને 234 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લી વખત ઇંગ્લૅન્ડની ધરતી પર વન-ડે શ્રેણી રમી રહ્યા છે અને એમાં રોહિત શર્મા મંગળવારની પ્રથમ મૅચની સદંતર નિષ્ફળતા બાદ ગુરુવારે બીજી વન-ડેમાં 47 બૉલમાં (ફક્ત 55.31ના સ્ટ્રાઇક-રેટ સાથે) માત્ર 26 રન બનાવી શક્યો હતો. જોકે તેણે કૅપ્ટન શુભમન ગિલ (31 રન, 30 બૉલ, છ ફોર) સાથે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કર્યા બાદ વિરાટ કોહલી (65 રન, 66 બૉલ, આઠ ફોર) સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી.
કોહલીની 78મી હાફ સેન્ચુરી આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતી. શ્રેયસ ઐયર (66 રન, 71 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે તેણે 67 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. કોહલી ફરી એક વખત પેસ બોલર જોફ્રા આર્ચરના બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. એ પહેલાં, વિકેટકીપર ઇશાન કિશને એક જ રન બનાવ્યા બાદ બોલર સૅમ કરૅનને કૅચ આપી દીધો હતો.
અક્ષર-સુંદર સસ્તામાં આઉટ
મંગળવારની પ્રથમ મૅચના બે હીરો અક્ષર પટેલ (એક રન) અને વૉશિંગ્ટન સુંદર (બે રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા તેમ જ શિવમ દુબે (0) પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. મૅચમાં કુલ ત્રણ વિકેટ લેનાર જોફ્રા આર્ચરે એક તબક્કે બે બૉલમાં અક્ષર-શિવમને આઉટ કર્યા બાદ ગુરનૂર બ્રારે જોફ્રા આર્ચરને હૅટ-ટ્રિક નહોતી લેવા દીધી.
બુમરાહની ફટકાબાજી
જસપ્રીત બુમરાહ ગુરુવારે ફટકાબાજી કરવાના મૂડમાં હતો. તેણે 13 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી અણનમ 20 રન બનાવ્યા હતા. ગસ ઍટક્નિસને પણ જોફ્રાની માફક ત્રણ વિકેટ અને સાકિબ મહમૂદે બે વિકેટ મેળવી હતી.