નવી દિલ્હીઃ કૃષિ ક્ષેત્રે વાપરવામાં આવતા જંતુનાશક પેરાક્વાટ ડાયક્લોરાઈડથી પ્રાણી અને માનવ સ્વાથ્ય સામેના જોખમોની ચિંતાને ધ્યાનમાં લેતા સરકારે તેના ઉત્પાદન, આયાત, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકતા પ્રસ્તાવનો મુસદ્દો જારી કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આ મુસદ્દાના સંદર્ભમાં વિવિધ હિસ્સેધારકો પાસેથી 30 દિવસની અંદર વાંધાવચકા તેમ જ સૂચનો મગાવ્યાં છે, ત્યાર પછી અંતિમ આદેશ જારી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈન્સેક્ટિસાઈડ્સ એક્ટ, 1968ની કલમ પાંચ હેઠળ સ્થાપવામાં આવેલી રજિસ્ટ્રેશન કમિટી સાથે સલાહમસલત થયા બાદ તેની ભલામણને ધ્યાનમાં લેતા આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રજિસ્ટ્રેશન કમિટીનાં અહેવાલ પર યોગ્ય રીતે વિચાર કર્યા બાદ પેરાક્વાચ ડાયક્લોરાઈડ જંતુનાશકનો ઉપયોગ માનવ અને પ્રાણીઓ માટે જોખમી હોઈ શકે જેથી તાત્કાલિક પગલાં લેવા યોગ્ય અને જરૂરી હોવાનું ઓર્ડરના મુસદ્દામાં જણાવાયું છે.
વધુમાં કમિટીએ નોંધ્યું હતું કે અંદાજે 70 કરતાં વધુ દેશોમાં પેરાક્વાટ ડાયક્લોરાઈડ પર પહેલેથી જ પ્રતિબંધ અથવા તો ગંભીર પ્રકારનાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. કમિટીએ અહેવાલમાં ચિંતાના ઘણાં ક્ષેત્રો દર્શાવ્યાં છે, જેમાં દસ્તાવેજીકૃત પ્રતિકૂળ અસરો, મૃત્યુનાં ઊંચા દર સાથે ઝેરની ઘટનાઓનો ઈતિહાસ અને રસાયણ માટે ચોક્કસ એન્ટિડોટની ગેરહાજરી વગેરેનો સમાવેશ છે. આથી કમિટીએ ઈન્સેક્ટિસાઈડ એક્ટ,1968 હેઠળ ભારતમાં સંપૂર્ણપણે પેરાક્વાટ ડાયક્લોરાઈડ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. અર્થાત્ તાત્કાલિક ધોરણે તેનાં ઉત્પાદન, આયાત, પરિવહન, વિતરણ, વેચાણ અને વપરાશ પ્રતિબંધિત કરવાની ભલામણ કરી હોવાનું મુસદ્દામાં જણાવ્યું હતું.
એક વખત અંતિમ આદેશ નોટિફાઈ થયા બાદ કોઈપણ વ્યક્તિ તેની આયાત, ઉત્પાદન, વેચાણ, પરિવહન, વિતરણ અને વપરાશ નહીં કરી શકે. નોંધનીય બાબત એ છે કે રજિસ્ટ્રેશન કમિટીને આ જંતુનાશક માટે જારી કરવામાં આવેલા રજિસ્ટ્રેશનનાં સર્ટિફિકેટો પાછાં ખેંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે જે સર્ટિફિકેટ ધારકો ત્રણ મહિનાની અંદર સર્ટિફિકેટ પરત કરવામાં નિષ્ફળ જશે તેમને કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.