Fri Jul 17 2026

Logo

મૌની રોય સાથે અફેર અંગે ટીવી સ્ટારે આખરે તોડ્યું મૌનઃ મીડિયા પર ઠાલવ્યો રોષ

2026-07-16 20:54:23
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડ અને ટેલિવિઝન જગતના અભિનેતાઓ અને અભિનેત્રીઓ અભિનયની દુનિયા સિવાય પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેતા હોય છે, તેઓ ક્યાંય પણ સ્પોટ થાય કે કેમેરામાં તેમની તસવીરો કેદ થઈ જતી હોય છે. તાજેતરમાં જ એવી જ એક વાત વહેતી થઈ હતી કે ટીવી સ્ટાર અર્જુન બિજલાની અને મૌની રોય વચ્ચે અફેર છે. જોકે, આ અટકળોને ફગાવી દેતા અર્જુન બિજલાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને માત્ર એટલા માટે જોડવામાં આવી રહ્યા છે, કારણ કે કોઈ ગોસિપ પેજને હેડલાઇનની જરૂર હોય છે. ટીવી સ્ટારે કહ્યું હતું કે મૌની હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે અને તે માત્ર આ સમયગાળામાં પોતાની જૂની મિત્રને સાથ આપે છે.

અર્જુન બિજલાનીએ પાયાવિહોણા અહેવાલોની આકરી નિંદા કરી હતી. તેણે લખ્યું હતું કે ડિયર ગોસિપ પેજ 15+ વર્ષથી મિત્રતા ધરાવતા બે લોકો અચાનક કપલ નથી બની જતા, કારણ કે ગોસિપ પેજને હેડલાઇનની જરૂર હોય છે. તેમની તાજેતરની વાતચીત પાછળનું કારણ સમજાવતા તેણે કહ્યું હતું કે કેટલીક વાર લોકો ફક્ત એકબીજા માટે દેખાય છે, ખાસ કરીને જ્યારે કોઈ મિત્ર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય, જે દર્શાવે છે કે મૌની માટે તેમનો ટેકો ફક્ત તેમની લાંબા સમયથી ચાલતી મિત્રતા અને તેના સ્વાસ્થ્ય માટે ચિંતામાંથી ઉદ્ભવ્યો હતો. 

ટીવી સ્ટારે મીડિયા પેજને સ્ટોરી પ્રકાશિત કરતા પહેલા તથ્યોની ચકાસણી કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેણે કહ્યું હતું કે વ્યૂઝ મેળવવા માટે દરેક મિત્રતામાં રોમેન્ટિક પાસું હોવું જરૂરી નથી. પ્રકાશન પહેલાં થોડી તથ્યોની ચકાસણી કરવી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આપણે જે વાતો કે નેરેટિવ રજૂ કરીએ છીએ, તે બાબતે જવાબદાર બનીએ.  બિજલાનીએ મનોરંજનના નામે પાયાવિહોણી વાતો પ્રકાશિત કરતા કેટલાક પેજ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેણે ભારપૂર્વક કહ્યું હતું કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની દરેક મુલાકાતને રોમેન્ટિક સંબંધના રૂપમાં રજૂ કરવી જોઈએ નહીં.

પોતાના નિવેદનનું સમાપન કરતાં અભિનેતાએ મીડિયાને રિપોર્ટિંગ કરતી વખતે વધુ જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ ગેરમાર્ગે દોરનારી વાતો ફેલાવતા પહેલા તથ્યોની ચકાસણી કરે, જે બિનજરૂરી રીતે લોકોના અંગત જીવનમાં આક્રમણ કરે છે અને મૂઝવણ ઊભી કરે છે. જવાબદાર પત્રકારત્વ વિશ્વસનીયતા બનાવે છે, પરંતુ આ ગોસિપ પેજ એવું નથી કરતું એમ જણાવ્યું હતું.

અર્જુન બિજલાની અને મૌની રોય ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના દાવા કેટલાક ગોસિપ પેજિસ દ્વારા કરવામાં આવ્યા બાદ આ અફવાઓ શરૂ થઈ હતી, આ દાવાઓ પાછળ તેમના તાજેતરની લાઈમલાઈટ અને મૌનીના જીવનના મુશ્કેલ તબક્કા દરમિયાન અર્જુનની તેની સાથેની હાજરી જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. 

તેમની વર્ષો જૂની મિત્રતાને રોમેન્ટિક સંબંધ તરીકે જોવામાં આવી રહી હતી, અને સોશિયલ મીડિયાની અનેક પોસ્ટ્સ તથા મનોરંજન જગતના પોર્ટલ્સ પર એવું સૂચવવામાં આવ્યું હતું કે આ બંને કલાકારો વચ્ચે માત્ર મિત્રતા નથી પરંતુ તેનાથી વિશેષ કંઈક છે. અર્જુને આ અહેવાલો અંગે ખુલાસો કર્યો તે પહેલાં જ ઓનલાઇન દુનિયામાં આ અટકળોએ જોર પકડ્યું હતું.