અમદાવાદઃ દાહોદના ચકચારી ફેક સરકારી કચેરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અમદાવાદ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), હેઠળ ઈડીએ અબુબકર જાકીરઅલી સૈયદ તથા તેના પરિવારજનો અને સહયોગીઓ સાથે જોડાયેલી જંગમ અને સ્થાવર મિલકતો મળી કુલ 22.70 કરોડની મિલકતો પ્રોવિઝનલી એટેચ કરી છે. દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી. તપાસમાં દાહોદ જિલ્લામાં સિંચાઈ અને જળ સંસાધન વિભાગની છ નકલી સરકારી કચેરીઓ ઊભી કરી કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં સંકળાયેલા. આરોપીઓએ સરકારી અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી, બનાવટી સીલ અને સહીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને તેના આધારે સરકારી ગ્રાન્ટ મેળવવામાં આવી હતી. ઈડીની તપાસમાં આરોપીઓએ કાવતરું રચીને 121 નકલી કામોની મંજૂરી મેળવી સરકારી ભંડોળ મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે.
ઈડીની તપાસ મુજબ કથિત કૌભાંડની રકમ સૌપ્રથમ નકલી સરકારી કચેરીઓના નામે ખોલવામાં આવેલા નવ બેન્ક ખાતામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ 18 મધ્યસ્થી ખાતાઓ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી અને અંતે આરોપીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ તથા સંસ્થાઓના 118 અન્ય ખાતાઓમાં વહેંચવામાં આવી હતી. ઈડીએ એટેચ કરેલી રૂ. 22.70 કરોડની સંપત્તિમાં જમીનના સાત પાર્સલ, મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણો અને વિવિધ બેન્ક ખાતામાં રહેલી રકમનો સમાવેશ થાય છે. આ સમગ્ર તપાસમાં નાણાંની હેરફેર અને ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિના ઉપયોગ અંગે ઈડી વધુ તપાસ કરી રહી છે.