કાઠમંડુ: નેપાળના જળપ્રલય પછી એક પછી એક જિંદગીને મહામહેનતે બચાવવાના કિસ્સા બહાર આવી રહ્યા છે, જેમાં નવ દિવસ પછી હાઈડ્રોપાવર ટનલમાં ફસાયેલા વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. કપરા સંજોગોમાં મહામંત્રનો જાપ કરીને જીવ બચાવવામાં સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. તો જાણીએ શું છે કિસ્સો.
નેપાળમાં ત્રિશુલી 3A હાઈડ્રોપાવર પ્રોજેક્ટની એક ટનલમાં પૂરના 9 દિવસ બાદ બે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જેમાંથી બચાવવામાં આવેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે તેઓ જયારે ફસાયેલા હતા ત્યારે 'હરે કૃષ્ણ' મહામંત્રના જાપ કરતા રહ્યા હતા, પણ અમને એટલી આશા હતી કે બચાવી લેવાશે. સંયોગથી તેમને જન્માષ્ટમીના દિવસે જ બચાવી લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જન્માષ્ટમીના દિવસે ભગવાને ખૂદ મદદ કરીને ચમત્કાર કર્યો હોવાની યૂઝર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા પણ આપી હતી.
'હરે કૃષ્ણ' મંત્રનો જપ કરી રહ્યા હતા
ટનલમાં ફસાયાના નવ દિવસ બાદ બે કર્મચારીઓથી એક 30 વર્ષીય સંજય સાહ હતા, જે મધેશ પ્રાંતના સપ્તરી જિલ્લાના રહેવાસી છે. સંજય સાહ નેપાળ વીજળી પ્રાધિકરણના કર્મચારી છે. સંજય સાહે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે ટનલની અંદર ફસાયેલા રહેવા દરમિયાન તેઓ છેલ્લા 9 દિવસથી 'હરે કૃષ્ણ' મંત્રનો જાપ કરી રહ્યા હતા. સુરક્ષિત બહાર નીકળી ગયા બાદ ઘટના વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'હું છેલ્લા નવ દિવસથી હરે કૃષ્ણ મંત્રનો જાપ કરી રહ્યો હતો.'
'બધાનો જીવ બચાવવો મારી જવાબદારી'
પ્રોજેક્ટમાં ફોરમેન તરીકે કામ કરનારા સંજય સાહે કહ્યું કે પૂર પ્રકોપ પછી જયારે બાકીના લોકો બાકી ગયા ત્યારે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હતા, કારણ કે તેમને બધાની સુરક્ષાની જવાબદારી મળી હતી. સાહે કહ્યું, 'હું કંટ્રોલરૂમમાં કામ કરી રહ્યો હતો. મારી જવાબદારી સૌનો જીવ બચાવવાની હતી અને હું ત્યાં જ રહી ગયો હતો.'
અનેક લોકો અંદર ફસાયા
દુર્ઘટના બાદ તેમણે ત્યાંના દરેક લોકોને ભાગવા માટે કહ્યું હતું, પરંતુ જ્યાં સુધીમાં લોકો ત્યાંથી નીકળે ત્યાં સુધીમાં તેમનું ભાગવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. જયારે પૂછવામાં આવ્યું કે અંદર કેટલા લોકો ફસાયેલા હોઈ શકે છે તો તેમણે કહ્યું કે તેમની આસપાસ ત્રણ ચાર લોકોનો અવાજ સંભાળ્યો હતો કે તેમની સાથે વાત કરી હતી.
બચાવ અભિયાન શરૂ
સંજય સાહે એ પણ કહ્યું કે ટનલમાં વધારે લોકો ફસાયેલા હોવા જોઈએ જેમાં પાવરહાઉસની આસપાસના લોકો પણ સામેલ છે. તેમણે કહ્યુ, 'શક્યતા છે કે કે દરેક લોકો ન ભાગી શક્યા હોય, ટનલ ઘણી લાંબી છે.' પૂરના પાણીના વહેણથી લોકો ટનલમાં અને અંદર જતા રહ્યા હશે. નેપાળ આર્મીના નેતૃત્વમાં સુરક્ષા કમાન્ડ વિશેષ ઉપકરણોનો ઉપયોગ કરીને શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે.
બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને સ્વાસ્થ્ય સબંધી કોઈ સમસ્યા નથી. તેમને ત્રિશુલીના એક સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 45 વર્ષના કબીર મહારજનને બચાવવામાં આવ્યા હતા. તેમને ઍરલિફ્ટ કરી કાઠમંડુના છાઉની સ્થિત વધુ સારવાર માટે નેપાળ સેનાએ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
કબીરની પત્નીએ પણ ખુશી વ્યક્ત કરી
સંજય સાહની સાથે કાઠમંડુમાં રહેનારા કબીર મહારજનને પણ ટનલમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. કબીર પણ ત્રિશુલી3એ હાઈ્ડ્રોપાવર પ્રોજેક્ટ કામ કરતી વખતે ફસાઈ ગયો હતો. કબીર જીવતો હોવાના સમાચાર મળ્યા પછી પરિવાર રાહતનો દમ લીધો છે. તેની પત્ની હીરા શોભાએ કહ્યું છે પતિને નવજીવન મળ્યું છે. એના પરત ફરવાના સમાચારથી અમારા જીવમાં જીવ આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી તેમના પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા એના વિનાની પળો વિતાવવાનું પરિવાર માટે પણ મુશ્કેલ રહી હતી. પણ અમને વિશ્વાસ હતો કે એ ટનલમાં જીવતા હશે અને અમે આશા ગુમાવી નહોતી.
અહીં એ જણાવવાનું કે 26મી ઓગસ્ટના પૂરપ્રકોપ પછી નેપાળના છ જિલ્લાની 17 નગરપાલિકામાંથી હજારો લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું છે પણ હવે રેસ્ક્યૂ ટીમ દ્વારા લાખો ટન કાદકકિચડ-કાટમાળ હટાવવામાં આવે છે, પણ હજુ પણ જીવતા લોકોની જિંદગી ટ્રેક પર લાવવામાં હજુ વર્ષો વીતી જશે એ નિશ્ચિત છે.