Mon Sep 07 2026

Logo

ભારતીય રેલવેની મોટી ભેટ! આટલા નવા વંદે ભારત સ્લીપરના રેક્સ થઈ રહ્યા છે તૈયાર, જાણો રૂટ અને ખાસિયતો...

2026-09-04 20:30:26
Author: Darshana Visaria
ભારતીય રેલવેની મોટી ભેટ! આટલા નવા વંદે ભારત સ્લીપરના રેક્સ થઈ રહ્યા છે તૈયાર, જાણો રૂટ અને ખાસિયતો...

ભારતીય રેલવે મુસાફરોના લાંબા અંતરના પ્રવાસને વધુ ઝડપી, આરામદાયક અને આધુનિક બનાવવા માટે 'વંદે ભારત સ્લીપર ટ્રેન' સાથે મોટી ક્રાંતિ કરવા જઈ રહી છે. રેલવે મંત્રાલય દ્વારા દેશભરમાં 260થી વધુ નવા સ્લીપર રેક્સ તૈયાર કરવાની યોજનાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ટેસ્ટિંગ સ્પીડ ક્ષમતા ધરાવતી આ પ્રીમિયમ સ્લીપર ટ્રેન મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો કરશે અને સુવિધાઓની બાબતમાં તે દેશની પ્રીમિયમ રાજધાની એક્સપ્રેસને પણ પાછળ છોડી દેશે. 

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વંદે ભારત સ્લીપર પ્રોટોટાઇપ અને પ્રારંભિક શ્રેણીના 10 રેક્સ BEMLના બેંગલુરુ પ્લાન્ટ ખાતે ICF ચેન્નઈના ટેકનિકલ સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે. આ જોઈન્ટ વેન્ચર હેઠળ 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ્સ (1280 કોચ)નું નિર્માણ કોલકાતા (પશ્ચિમ બંગાળ) પ્લાન્ટમાં ચાલી રહ્યું છે. 

સૌથી મોટો ઓર્ડર મહારાષ્ટ્રના લાતુર સ્થિત મરાઠવાડા રેલ કોચ ફેક્ટરી ખાતે સોંપાયો છે, જ્યાં 120 વંદે ભારત સ્લીપર રેક્સ તૈયાર કરવામાં આવશે. બાકીના રેક્સના ઉત્પાદન અને રોલઆઉટનું આયોજન રેલવેની મુખ્ય પ્રોડક્શન ફેક્ટરીઓ (આઈસીએફ ચેન્નઈ, આરસીએફ કપૂરથલા અને એમસીએફ રાયબરેલી)ની ક્ષમતા મુજબ તબક્કાવાર વહેંચવામાં આવ્યું છે, જેથી કુલ 260 સ્લીપર રેક્સનું લક્ષ્યાંક ઝડપથી પૂર્ણ થઈ શકે.

180 કિમી/કલાકની સ્પીડ અને સુપરફાસ્ટ મુસાફરી:

ઓપરેશનલ સ્પીડ: વંદે ભારત સ્લીપરનું એન્જિનિયરિંગ 180 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરાયું છે, જ્યારે રૂટ પર તે 160  કિમી પ્રતિ કલાકની ઓપરેશનલ સ્પીડ પર દોડશે. અદ્યતન એક્સિલરેશન અને બ્રેકિંગ સિસ્ટમને કારણે લાંબા અંતરના રૂટ્સ જેમ કે દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા પર મુસાફરીનો સમય બેથી ત્રણ કલાક જેટલો ઘટી જશે.

વિમાન જેવી આધુનિક અને લક્ઝરી સુવિધાઓ:

- ચાલો જોઈએ આ નવી વંદે ભારત ટ્રેનમાં કયા કયા પ્રકારની અને શું-શું સુવિધાઓ આપવામાં આવી છે જે પ્રવાસીઓની રેલ જર્નીને વિમાન જેવી આધુનિક મુસાફરીનો આનંદ આપશે... 

- વર્લ્ડ ક્લાસ બર્થ ડિઝાઇન: મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા કુશનિંગવાળી સીટો, પગ લંબાવવા માટે પૂરતી જગ્યા અને ઉપરની બર્થ પર ચઢવા માટે ખાસ ડિઝાઇન કરાયેલી એર્ગોનોમિક સીડીઓ.

- સેન્સર બેઝ્ડ ઓટોમેટિક ડોર્સ: કોચની અંદર આપમેળે ખૂલતા-બંધ થતા સેન્સર ડોર્સ અને એન્ટ્રી પર ઓટોમેટિક સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ.

- એડવાન્સ્ડ ટોયલેટ મોડ્યુલ: ટ્રેનમાં એન્ટિ-સ્પિલ કન્ટેઈનમેન્ટ સાથેના ફર્સ્ટ-ક્લાસ બાયો-વેક્યૂમ ટોયલેટ્સ અને ટચ-ફ્રી ફિટિંગ્સ ઉપલબ્ધ કરાવાયા છે.

- સાઈલન્ટ કેબિન અને નોઈઝ કંટ્રોલ: અદ્યતન સાઉન્ડપ્રૂફિંગ ટેકનોલોજીના કારણે ટ્રેનની અંદર પાટા કે એન્જિનનો અવાજ સાવ નહિવત રહેશે.

- પર્સનલ કમ્ફર્ટ: દરેક બર્થ પર વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, યુએસબી ચાર્જિંગ પોઇન્ટ્સ, સ્નેક ટેબલ અને મોડ્યુલર પેસેન્જર કંટ્રોલ પેનલ.

કવચ સુરક્ષા અને એડવાન્સ્ડ ટેકનોલોજી:

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અકસ્માત અને સામસામે ટક્કર રોકવા માટે આ ટ્રેનો પૂર્ણપણે 'કવચ'થી સજ્જ છે. આગ લાગવાની સ્થિતિમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, ઈમરજન્સી ટોક-બેક યુનિટ્સ અને સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવશે.