Sat Sep 12 2026

Logo

ખુદાબક્ષો પર તવાઈ: પાંચ મહિનામાં પશ્ચિમ રેલવેએ ટિકિટ ચેકિંગ ડ્રાઇવથી ₹ 100 કરોડથી વધુની કરી કમાણી

2026-09-04 20:31:43
Author: Mumbai Samachar Team
ખુદાબક્ષો પર તવાઈ: પાંચ મહિનામાં પશ્ચિમ રેલવેએ ટિકિટ ચેકિંગ ડ્રાઇવથી ₹ 100 કરોડથી વધુની કરી કમાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પશ્ચિમ રેલવે દ્વારા અનધિકૃત અને ટિકિટ વગર મુસાફરી કરતા ‘ખુદાબક્ષ’ પ્રવાસીઓ સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષ દરમિયાન એપ્રિલથી ઓગસ્ટ 2026 સુધી પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગોમાં કુલ 13.47 લાખ ખુદાબક્ષ અને અનિયમિત મુસાફરો ઝડપાયા હતા. તેમની પાસેથી દંડ પેટે કુલ રૂ. 100.42 કરોડની આવક વસૂલ કરાઈ છે.

પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, રેવન્યુ વધારવા અને પ્રવાસીઓમાં નિયમિત તથા અધિકૃત મુસાફરી અંગે જાગૃતિ લાવવા માટે ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સતત સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. સિનિયર કમર્શિયલ અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ સ્ટાફની ટીમોએ મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનો ઉપરાંત લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં પણ તપાસ અભિયાન ચલાવ્યું હતું. માત્ર ઓગસ્ટ 2026 દરમિયાન જ પશ્ચિમ રેલવેએ 2.13 લાખથી વધુ ખુદાબક્ષ અને અનિયમિત મુસાફરો ઝડપ્યા હતા. તેમની પાસેથી રૂ.17.16 કરોડનો દંડ વસૂલ કર્યો હતો.

મુંબઈની લોકલ ટ્રેનોમાં પણ સઘન કાર્યવાહી

મુંબઈ સબર્બન સેક્શનમાં પણ ટિકિટ ચેકિંગની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન સબર્બન વિભાગમાં ટિકિટ વગર અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા કુલ 4.65 લાખ મુસાફરો ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ.25.65 કરોડની રકમ દંડ તરીકે વસૂલ કરાઈ હતી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈની ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા મોટી હોવાથી ટિકિટ ચેકિંગ દ્વારા અનધિકૃત મુસાફરી પર નિયંત્રણ લાવવા અને રેલવેની આવકનું રક્ષણ કરવા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે.

એસી લોકલમાં ટિકિટ વગર મુસાફરી સામે ખાસ નજર

એસી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં જનરલ ટિકિટ અથવા અન્ય માન્ય ટિકિટ સાથે અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે પણ પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન એસી સબર્બન સેવાઓમાં આશરે 78,600 દંડના કેસ નોંધાયા હતા અને કુલ રૂ.3.26 કરોડની દંડની આવક થઈ હતી. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ આવકમાં લગભગ 172 ટકાનો જંગી વધારો થયો છે.

ગયા વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એસી લોકલમાં આશરે 36,480 કેસ નોંધાયા હતા અને તેમાંથી રૂ.1.20 કરોડની દંડની આવક થઈ હતી. આ વર્ષે કેસોની સંખ્યા પણ વધીને લગભગ 78,600 થઈ છે અને દંડની આવક પણ વધીને રૂ. 3.26 કરોડ સુધી પહોંચી છે. 

પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે કે ટિકિટ ચેકિંગની આ સઘન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ રેલવેની આવકમાં થતું નુકસાન અટકાવવું, અનધિકૃત મુસાફરી પર અંકુશ લાવવો અને મુસાફરોમાં નિયમોનું પાલન કરવાની ભાવના મજબૂત કરવાનો છે. રેલવેએ મુસાફરોને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા અને રેલવેના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.