સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં અડધી રાત્રે એક અત્યંત શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના સામે આવી છે, જ્યાં સુરત પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. રાત્રિના આશરે 12:49 વાગ્યે PCR-56 ને કંટ્રોલ રૂમ તરફથી એક ચોંકાવનારો મેસેજ મળ્યો હતો કે અડાજણ વિસ્તારમાં એક મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે.
દરવાજો તોડી અંદર પ્રવેશ્યા અને CPR આપ્યું
આ મેસેજ મળતાં જ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર PCR વાન ઘટનાસ્થળ તરફ રવાના થઈ ગઈ હતી. આવી ક્ષણોમાં સમય ખૂબ કિંમતી હતો. પોલીસે માત્ર 2 મિનિટ અને 10 સેકન્ડમાં બતાવેલા સરનામે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી. ઘર પાસે પહોંચીને પોલીસે જ્યારે બારીમાંથી જોયું તો મહિલા ગંભીર હાલતમાં ફાંસો ખાવાનો પ્રયાસ કરી રહી હતી. સ્થિતિની ગંભીરતા સમજીને પોલીસે જરાય રાહ જોયા વગર ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ઘરમાં જઈને ટીમે તુરંત મહિલાને નીચે ઉતારી હતી અને સ્થળ પર જ પ્રાથમિક સારવાર તરીકે CPR આપવાનું શરૂ કર્યું હતું. આ સાથે તત્કાલ 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવવામાં આવી હતી અને મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમયસર મળી ગયેલી પોલીસ મદદ અને તાત્કાલિક મેડિકલ સારવારના કારણે મહિલાનો સદ્ભાગ્યે જીવ બચી ગયો છે. હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
માત્ર ૨ મિનિટ ૧૦ સેકન્ડની ત્વરિતતા… અને બચી ગયો એક અમૂલ્ય જીવ!..જીવન અને મૃત્યુ વચ્ચે જ્યારે માત્ર થોડી ક્ષણોનું અંતર હતું, ત્યારે અડાજણ PCR-56ની ટીમ દેવદૂત બની પહોંચી… pic.twitter.com/hPCWRguBPE
— Surat City Police (@CP_SuratCity) September 3, 2026
રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓ અત્યંત ઝડપથી મહિલાનો જીવ બચાવવા માટે મથામણ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસની આ ત્વરિત કામગીરી અને ભગીરથ કાર્યની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં અડાજણ PCR-56 ના હેડ કોન્સ્ટેબલ જયંતીલાલ રાઠોડ, PCR પાઇલટ ઋતિક કોંકણી, FOP રાજ શર્મા અને કોન્સ્ટેબલ સાગર ભાઈએ મહત્વની ભૂમિકા ભજવી છે. અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડાએ આ ઘટના અને વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. એક કોલ મળતા જ તેને ગંભીરતાથી લઈ સમયસૂચકતા વાપરવાના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે.