મુંબઈ: મુંબઈમાં ઓટો-રિક્ષા ડ્રાઈવર સાથે એક અજાણ્યા કારચાલકે કથિત રીતે ગેરવર્તન અને ધમકી આપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ મોટા પાયે વાયરલ થયો છે. ‘બિગ બોસ મરાઠી’ ફેમ અભિનેત્રી ઈરિના રુદાકોવા, જે ઈરિના રાય તરીકે પણ ઓળખાય છે. ઈરિનાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને વીડિયો શેર કરતી વખતે ઈરિનાએ મુંબઈમાં આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ તેમ કહી લોકોને વીડિયો વધુમાં વધુ શેર કરવાની પણ અપીલ કરી હતી. એટલું જ નહીં, તેને મુંબઈ પોલીસ પાસે આ મામલે મદદની પણ માગણી કરી છે.
મૂળ રશિયન ઈરિનાએ વીડિયોની શરૂઆતમાં પોતાના ફેન્સને સંબોધતા કહ્યું કે, મને સંપૂર્ણ સપોર્ટ જોઈએ છે, કારણ કે મુંબઈમાં આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ અને આ બિલકુલ યોગ્ય નથી. વીડિયોમાં એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતરતી જોવા મળે છે ત્યાર બાદ તે રિક્ષા ડ્રાઈવરનો કોલર પકડી તેને ઓટોમાંથી બહાર ખેંચતો જોવા મળે છે. આ દરમિયાન તે વ્યક્તિ ડ્રાઈવર સાથે કથિત રીતે ગાળાગાળી કરે છે અને તેને મારવાની ધમકી આપતો પણ સંભળાય છે. વીડિયોમાં તે “ઇધર હી મારુંગા” જેવી ધમકીઓ આપતો પણ જોવા મળે છે.
બીજી તરફ, રિક્ષા ડ્રાઈવર સતત કારચાલકની માફી માંગતો વીડિયોમાં દેખાયો રહ્યો છે. તે કારચાલકને કહે છે કે તેણે તેની કાર જોઈ નહોતી. સમગ્ર ઘટનાને ઈરિનાએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી. તેણે પોતાની ઓટો-રિક્ષાનો નંબર તેમ જ કથિત રીતે ગેરવર્તન કરનાર વ્યક્તિની કારનો નંબર પણ રેકોર્ડ કર્યો હોવાનો દાવો કર્યો છે.
ઘટના બાદ ઓટો-રિક્ષામાં પાછા બેસ્યા બાદ ડ્રાઇવર ઈરિનાને ચિંતિત થઈને પૂછે છે, “આપકો લગા તો નહીં?” તેના જવાબમાં ઈરિના કહે છે, “નહીં નહીં.” ત્યારબાદ તેણે દાવો કર્યો કે કારને કોઈ સ્ક્રેચ પણ આવ્યો નહોતો, તેમ છતાં કારચાલકે સમગ્ર મામલો મોટો બનાવી દીધો. ઈરિનાએ આ વર્તનને “બકવાસ” ગણાવ્યું અને કહ્યું કે જો ખરેખર કોઈ નુકસાન થયું હોત તો તેને પણ તેનું દુઃખ થયું હોત. જોકે, તેના કહેવા પ્રમાણે, કારચાલકે કારણ વગર હોબાળો કર્યો. ઈરિનાએ વધુમાં કહ્યું કે જે લોકો આ પ્રકારનું વર્તન કરવાની ક્ષમતા ધરાવે છે, તેમના કારણે સામાન્ય અને નાના લોકો મુશ્કેલીમાં મુકાય છે.
મદદ કરવાની કરી અપીલ
ઈરિનાએ કારચાલક પર નિયમ તોડવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે પોતાની ભૂલ કે નિયમભંગનો ગુસ્સો ઓટો-રિક્ષા ડ્રાઇવર પર કાઢવો યોગ્ય નથી. તેણે ભારપૂર્વક કહ્યું કે કોઈ વ્યક્તિને હાથ લગાવવાનો અધિકાર કોઈને નથી અને આ પ્રકારનું વર્તન યોગ્ય નથી. વીડિયો શેર કરીને ઈરિનાએ લોકોને આ ઘટનામાં મદદ કરવા અપીલ કરી છે. તેણે ખાસ કરીને એવા લોકોને આગળ આવવા કહ્યું છે, જેમનો પોલીસ સાથે સંપર્ક હોય. સાથે જ તેણે પોતાના ફેન્સને વીડિયો રિપોસ્ટ કરવાની વિનંતી કરી છે, જેથી આ મામલે યોગ્ય કાર્યવાહી માટે મદદ મળી શકે.
કોણ છે ઈરિના રુદાકોવા?
ઈરિના રુદાકોવા રશિયન મોડલ, અભિનેત્રી અને ડાન્સર છે, જેણે ભારતીય મનોરંજન જગતમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તેણે ‘છોટી સરદારની’થી અભિનય ક્ષેત્રે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘બિગ બોસ મરાઠી 5’માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી અને આ શોમાં ભાગ લેનારી પ્રથમ વિદેશી સ્પર્ધક બની હતી.
હાલમાં મુંબઈમાં ઓટો-રિક્ષા ડ્રાઇવર સાથે બનેલી કથિત ઘટનાનો વીડિયો શેર કર્યા બાદ ઈરિના રુદાકોવા ફરી ચર્ચામાં આવી છે. હવે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તરફથી આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.