Sun Sep 06 2026

Logo

ભુજિયા ડુંગર પર નાગપંચમીએ ભુજંગદેવનું પૂજન: કચ્છની સુખાકારી માટે રાજપરિવાર દ્વારા 296 વર્ષ જૂની પરંપરા જળવાઈ

2026-08-18 12:45:00
Author: Mumbai Samachar Team
ભુજિયા ડુંગર પર નાગપંચમીએ ભુજંગદેવનું પૂજન: કચ્છની સુખાકારી માટે રાજપરિવાર દ્વારા 296 વર્ષ જૂની પરંપરા જળવાઈ

ભુજ: નાગપંચમીના પવિત્ર તહેવાર પર કચ્છના રાજપરિવાર દ્વારા 296 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દરબારગઢથી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગદેવ મંદિર સુધી શાહી સવારી કાઢી વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

 

રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીની શુભેચ્છાઓ સાથે કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજા દ્વારા ભુજંગદેવજીના મંદિરે પૂજાવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાવ સ્વ. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી માં મહામાયાના દર્શન કરવામાં આવ્યા હતા. પૂજનમાં વિવિધ ઠાકોરો, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ સહિત અગ્રણીઓ અને ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ, રાજપરિવારના મહારાવ હનુવંતસિંહજી તથા મહારાણી રોહિણીદેવીના આશીર્વાદથી પ્રતાપસિંહજી અને શાલિનીદેવીએ પણ ભુજિયા ડુંગરના શિખરે આવેલા મૂળ ભુજંગદેવ મંદિરે ચઢાણ કરી ધાર્મિક અનુષ્ઠાન કર્યા હતા. રાજપરિવાર અને કચ્છીજનોએ ભુજંગદેવ દાદા સમક્ષ સમગ્ર કચ્છ માટે આવનારું વર્ષ મંગલકારી રહે તેવી પ્રાર્થના કરી હતી.

(ઉત્સવ વૈદ્ય)