Sat Sep 12 2026

Logo

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમનું ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’: ભાડે રાખેલાં ૭૬ બેંક ખાતામાંથી રૂ.૩૨.૬૨ કરોડના કૌભાંડનો પર્દાફાશ, ૫ ઝડપાયા

2026-08-18 12:56:00
Author: Mumbai Samachar Team
પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમનું ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’: ભાડે રાખેલાં ૭૬ બેંક ખાતામાંથી રૂ.૩૨.૬૨ કરોડના કૌભાંડનો પર્દાફાશ, ૫ ઝડપાયા

Ai Image


ભુજ: પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ ૨.૦’ અંતર્ગત બેંક ખાતાઓ ભાડે રાખીને આચરવામાં આવતા રૂપિયા ૩૨.૬૨ કરોડથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

અંજારના અરજદારની અરજી આધારે પોલીસે તપાસ હાથ ધરતાં ગાંધીધામ અને અંજાર પંથકના લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ભાડે મેળવવાનું નેટવર્ક સામે આવ્યું હતું. પોલીસે દરોડો પાડી આરોપી પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશ વાંજા અને વત્સલ ઉર્ફે વિશાલ અનિલ ઠક્કરને ઝડપી પાડી રૂપિયા ૪૦ હજારની કિંમતના ૬ મોબાઈલ હસ્તગત કર્યા છે. અદાલતે તમામ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તપાસ દરમિયાન ૭૬ બેંક ખાતાઓમાં ઓનલાઈન ગેમિંગ અને સાયબર ફ્રોડ દ્વારા રૂપિયા ૩૨,૬૨,૧૬,૩૬૪ની ગેરકાયદે લેવડ-દેવડ થઈ હોવાનું ખૂલ્યું છે, જે અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી સમન્વય પોર્ટલ પર ૧૨૭ ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓ બેંક કિટ, ઈમેલ આઈડી અને પાસવર્ડ વોટ્સએપ તથા કુરિયર મારફતે ગોવા સુધી પહોંચાડતા હતા. બનાવમાં સામેલ વકાર હુશેન હોડા, કુલદીપ બારોટ અને પ્રિયાંક ઠક્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

દરમ્યાન, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિએ કમિશન કે આર્થિક લાભની લાલચમાં પોતાના બેંક ખાતાં, ચેકબુક, સીમકાર્ડ કે નેટબેંકિંગની વિગતો અન્યને આપવી નહીં. આવા ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થતો હોઈ, જો કોઈએ ખાતાં આપ્યા હોય તો તુરંત સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવો.

ઉત્સવ વૈદ્ય