Tue Aug 18 2026

Logo

રાજકોટમાં તૂટેલી કે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળે? જાણો કારણ

2026-08-18 13:19:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ  રાજકોટમાં હવે નંબર પ્લેટ વગર વાહન ચલાવતા લોકો માટે મુશ્કેલી વધી શકે છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનોને હવે પેટ્રોલ, ડીઝલ અને CNG નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. લોકો દંડથી બચવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા વાહનોમાં નંબર પ્લેટ ન હોવાનું ધ્યાને આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ, CNG અને ડીઝલ સ્ટેશન પર આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. વાહનના આગળ અને પાછળ માન્ય તથા સ્પષ્ટ રીતે દેખાય તેવી નંબર પ્લેટ હોવી જરૂરી રહેશે. માત્ર નંબર પ્લેટ ન હોવી જ નહીં, પરંતુ નંબર પ્લેટ તૂટેલી હોય, નંબર કે અક્ષરો સ્પષ્ટ દેખાતા ન હોય, કાદવ-પેઇન્ટ કે અન્ય કારણોસર નંબર વાંચી ન શકાય તેવી સ્થિતિમાં હોય તો પણ વાહનને ઈંધણ આપવાના મામલે નિયંત્રણ લાગુ પડશે.

જોકે માન્ય HSRP અથવા અન્ય કાયદેસર અને સ્પષ્ટ રીતે દેખાતી નંબર પ્લેટ ધરાવતા વાહનો આ પ્રતિબંધ હેઠળ નહીં આવે. પોલીસ દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને પ્રવેશ અને ઈંધણ ભરવાના સ્થળે ગુજરાતી તેમજ હિન્દી અથવા અંગ્રેજીમાં જાહેર સૂચના લગાવવા પણ જણાવાયું હતું. સાથે જ પેટ્રોલ પંપ પર CCTV અને ANPR સિસ્ટમ દ્વારા વાહનની આગળ-પાછળની નંબર પ્લેટ કૅપ્ચર કરવા તથા CCTV ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાની સૂચના આપવામાં આવી હતી

આ નિર્ણયનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગર અથવા અસ્પષ્ટ નંબર પ્લેટ ધરાવતા વાહનોની ઓળખ સરળ બનાવવાનો તેમજ અકસ્માત, હિટ એન્ડ રન, વાહનચોરી અને અન્ય ગુનાઓમાં વાહનની ઓળખ ઝડપી થઈ શકે તેવો છે. આ જાહેરનામું 60 દિવસ માટે અમલમાં રહેશે. તેથી રાજકોટવાસીઓએ હવે વાહનમાં નંબર પ્લેટ લગાવેલી છે કે નહીં અને તે કાયદેસર તથા સ્પષ્ટ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જરૂરી બની છે.

સૂત્રોએ જણાવ્યું કે, ઘણા લોકો સીસીટીવીથી મળતા ઈ-ચલણથી બચવા નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરવામાં આવે છે. જેના પરિણામે બેફામ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને મોટર વ્હીકલની જોગવાઈના ઉલ્લંઘનને પ્રોત્સાહન મળે છે. HSRP રજીસ્ટ્રેશન નંબર વિનાના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. કારણ કે, ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ હીટ એન્ડ રન અકસ્માતો, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ તથા ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવતાં આ નિર્ણય લેવાયો હતો.