સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા છતાં 6 મહિનાનું ફૂટેજ ન મળતા હાઈ કોર્ટે DGP પાસે રાજ્યવ્યાપી સમીક્ષા અહેવાલ માંગ્યો
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP)ને રાજ્યભરના તમામ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની સ્થિતિનો તાગ મેળવવા અને તેનો ડેટા કેટલા સમય સુધી સાચવી રાખવામાં આવે છે તે અંગેનો અહેવાલ રજૂ કરવા માટે રાજ્યવ્યાપી સમીક્ષા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશન દ્વારા છ મહિના પહેલાનું સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નહીં હોવાની રજૂઆત બાદ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને ન્યાયામૂર્તિ ગૌતમ અંખડની ખંડપીઠે બુધવારે ડીજીપીને આ નિર્દેશ આપ્યો હતો.
હાઈ કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યના મુખ્ય સચિવે અગાઉ કોર્ટ સમક્ષ બાંહેધરી આપી હતી કે તેઓ ક્ષમતામાં વધારો કરશે અને પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલ ફૂટેજ ૧૮ મહિના સુધી સુરક્ષિત રાખવામાં આવે તે સુનિશ્ચિત કરશે.
બેન્ચે નોંધ્યું હતું કે પોલીસનું વલણ સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ અને બેકઅપ ક્ષમતાને ૧૮ મહિના સુધી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલી સ્પષ્ટ ખાતરીઓથી વિપરીત હતું.
તે 'પરમવીર સિંહ સૈની વિરુદ્ધ બલજીત સિંહ' કેસમાં સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચુકાદાનો સંદર્ભ આપી રહી હતી, જેમાં પોલીસ સ્ટેશનોના તમામ પ્રવેશ અને બહાર જવાના રસ્તા, કોઠડીઓ, કોરિડોર અને લાઉન્જમાં સીસીટીવી કવરેજ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અહેવાલમાં એ બાબતનો પણ ઉલ્લેખ હોવો જોઈએ કે ઘાટકોપર પોલીસ સ્ટેશને સીસીટીવી ફૂટેજ છ મહિનાથી વધુ સમય માટે સાચવી રાખી શકાતા નથી એવું શા માટે જણાવ્યું હતું. ૧૦ ઓગસ્ટે આ મામલે ફરીથી સુનાવણી થશે, પોલીસને ત્યાં સુધીમાં અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે