Tue Sep 15 2026

Logo

મેટ્રો-5 અપડેટ: કશેલી કારશેડનું 23% કામ પૂર્ણ, આ વર્ષે ટ્રાયલ રન શરૂ કરવાની યોજના

2026-07-16 20:28:56
Author: Mumbai Samachar Team
મેટ્રો-5 અપડેટ: કશેલી કારશેડનું 23% કામ પૂર્ણ, આ વર્ષે ટ્રાયલ રન શરૂ કરવાની યોજના

મુંબઈ: એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં પહેલો મેટ્રો પ્રોજેક્ટ કારશેડ હવે આકાર લઈ રહ્યો છે. કાશેલી ખાતે મેટ્રો-5 કોરિડોરના કારશેડનું નિર્માણ કાર્ય 23 ટકા પૂર્ણ થઈ ગયું છે. થાણે-ભિવંડી-કલ્યાણ-ઉલ્હાસનગર મેટ્રો લાઇનના સંચાલન અને જાળવણીમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 27 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા કારશેડને ઓગસ્ટ 2025માં પર્યાવરણ વિભાગ તરફથી મંજૂરી મળી હતી. 

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ બાંધકામની ગતિ વધારી દીધી છે. સત્તામંડળ આ વર્ષે મેટ્રો-5ના પ્રથમ તબક્કા માટે મેટ્રો ટ્રાયલ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, પરિણામે પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે પહેલાં જ ટ્રેનોનું પરીક્ષણ, નિરીક્ષણ અને કમિશનિંગ શક્ય બને તેના માટે કારશેડનો વિકાસ તબક્કાવાર કરવામાં આવી રહ્યો છે.

આ રીતે પરીક્ષણ શરૂ થશે

મેટ્રો લાઇન-5નું સંચાલન વહેલું શરૂ કરી શકાય તેના માટે એમએમઆરડીએ કામચલાઉ નિરીક્ષણ શેડ, ટેસ્ટ ટ્રેક, સહાયક સબ-સ્ટેશન અને શંટિંગ નેક જેવી સુવિધાઓ વિકસાવી રહ્યું છે. આ સુવિધાઓને કારણે કાયમી ડેપો સંપૂર્ણપણે તૈયાર થાય તે પહેલાં જ ટ્રેનોનું પરીક્ષણ, નિરીક્ષણ અને કમિશનિંગ શરૂ કરી શકાશે.

30 ટ્રેનોને ઊભી રાખવાની ક્ષમતા

કસેલી ડેપોમાં એકસાથે 30 મેટ્રો ટ્રેનોને ઊભી રાખવાની ક્ષમતા હશે. અહીં વિકસાવવામાં આવી રહેલી સુવિધાઓમાં પાંચ ઇન્સ્પેક્શન લાઇન, ચાર વર્કશોપ લાઇન, એક ટેસ્ટ ટ્રેક, શંટિંગ સુવિધાઓ, રોલિંગ સ્ટોક મેન્ટેનન્સ સિસ્ટમ, ડેપો કંટ્રોલ સેન્ટર, વહીવટી ભવન, સ્ટાફ ક્વાર્ટર્સ, વીજ પુરવઠા પ્રણાલી, ટ્રેન વોશિંગ પ્લાન્ટ, ગંદા પાણી અને પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અને આધુનિક અગ્નિશામક પ્રણાલીનો સમાવેશ થાય છે.

IIT બોમ્બેના માર્ગદર્શન હેઠળ બાંધકામ

ડેપોના સ્થળે દરિયાઈ ચીકણી માટીની હાજરીને કારણે બાંધકામનું કાર્ય પડકારજનક હતું. જમીનની ભાર સહન કરવાની ક્ષમતા વધારવા માટે એમએમઆરડીએએ IIT બોમ્બેના નિષ્ણાતોની સલાહ મુજબ 'પ્રીફેબ્રિકેટેડ વર્ટિકલ ડ્રેઇન્સ' (PVD) અને 'સર્ચાર્જ લોડિંગ' જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. 10 હેક્ટર વિસ્તારમાં જમીન સુધારણાની કામગીરી કરવામાં આવી છે.

હાલમાં પ્રોજેક્ટનું શું છે સ્ટેટ્સ? 

કાર શેડ ખાતે ચાર માળની કંટ્રોલ સેન્ટર બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલુ છે, જ્યારે સ્ટાફ ક્વાર્ટર્સ માટે પાયાનું કામ શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત, 2400 મિમી અને 2750 મિમી વ્યાસ ધરાવતી બીએમસીની પાઇપલાઇનોને નવેમ્બર 2025ના વર્ષમાં ખસેડવામાં આવી હતી. 

મેટ્રો કામગીરી માટેનું મુખ્ય કેન્દ્ર બનશે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે કશેલી ડેપો મહારાષ્ટ્રમાં આધુનિક અને વિશ્વસનીય જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અને એમએમઆરડીએના અધ્યક્ષ એકનાથ શિંદેએ ટિપ્પણી કરી હતી કે આ ડેપો મેટ્રો લાઇન-5ના સુરક્ષિત અને કાર્યક્ષમ સંચાલન માટે મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરશે. 
એમએમઈઆરડીએના મેટ્રોપોલિટન કમિશનર ડૉ. સંજય મુખર્જીએ નોંધ્યું હતું કે, પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને તબક્કાવાર બાંધકામ દ્વારા આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે.