Sat May 16 2026

Logo

એક નજર ઈધર ભી...: ભારતીય રાજકુમારીની બ્રિટનમાં કેમ હતી આવી બોલબાલા?

2026-05-16 09:04:00
Author: Kamini Shroff
Article Image

કામિની શ્રોફ

આ વર્ષે જાન્યુઆરીમાં `મધર ઓફ ઓલ ડીલ્સ' તરીકે ગાજેલા ભારત-યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યાપારી કરારના સંદર્ભમાં આ ઘટના ભારતના વિકાસ માટે અગત્યની છે એટલા માટે યુરોપને અને એના કેટલાક દેશ વિશે જાણવું-સમજવું આપણા માટે જરૂરી છે.

બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી 1949માં `કાઉન્સિલ ઓફ યુરોપ' અસ્તિત્વમાં આવી, જેનો પ્રમુખ હેતુ વર્લ્ડ વોરથી છિન્નભિન્ન થઈ ગયેલા માનવ જીવનને થાળે પાડવાનો હતો. શરૂઆતમાં 10 યુરોપિયન દેશ એના સભ્ય હતા. 1958માં `યુરોપિયન યુનિયન' બિન સત્તાવાર સ્વરૂપમાં અસ્તિત્વ માં આવ્યું જેમાં સભ્ય દેશ તરીકે ધ નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગ જોડાયા હતા. 

1990માં સિંગલ માર્કેટના ઉદ્દેશ સાથે યુરોપિયન યુનિયન અસ્તિત્વમાં આવ્યું હતું. યુરોપમાં જેટલા દેશ છે અને એમાંથી આજની તારીખમાં 27 દેશ યુરોપિયન યુનિયનના સભ્ય છે. `યુનાઈટેડ નેશન્સ' અનુસાર યુરોપમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત 44 દેશ છે. યુરોપ ઉપરાંત અન્ય ખંડમાં વિસ્તાર ધરાવતા તેમજ આંતરરાષ્ટ્રીય માન્યતા અંગે વિવાદમાં સપડાયેલા દેશને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. યુરોપિયન યુનિયનમાં યુરોપ ડે (9 મે)નું મહત્ત્વ છે. 

1950ની નવમી મેના દિવસે ફ્રાન્સના વિદેશ પ્રધાન રોબર્ટ શુમનએ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું, જેમાં યુરોપિયન દેશો વચ્ચે આપસી તાલમેલથી રહેવાની હાકલ કરવામાં આવી હતી. 9 મે,1985ના દિવસે પ્રથમ `યુરોપિયન- ડે' ઉજવવામાં આવ્યો હતો અને તાજેતરમાં એના 41મા વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે નવી દિલ્હીમાં યુરોપિયન યુનિયન-ભારતના સંબંધો પર પ્રકાશ પાડતા `યુરોપ ઈન મોશન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. 

27 સભ્ય દેશના 45 કરોડ માનવ વસ્તી ધરાવતું યુરોપિયન યુનિયનનું અર્થતંત્ર યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન પછી ત્રીજા નંબરે આવે છે. યુરોપમાં લોકશાહી, શાંતિ અને માનવ હકની જાળવણી અને વિસ્તાર માટે અને બે કટ્ટર દુશ્મન દેશ ફ્રાન્સ અને જર્મની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવામાં નિમિત્ત બનવા બદલ 2012નું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ `યુરોપિયન યુનિયન'ને આપવામાં આવ્યું હતું. યુરોપિય યુનિયનના દરિયાકાંઠાના વિસ્તારમાં બેલ્જિયમ, નેધરલેન્ડ્સ અને લક્ઝમબર્ગએ ત્રણ દેશનો સમાવેશ છે.

બ્રસેલ્સનું હિસ્ટ્રી મ્યુઝિયમ

બ્રસેલ્સ બેલ્જિયમનું પાટનગર છે. સાંપ્રત રાજકારણમાં ખાસ્સું વજન ધરાવતી બે આંતરરાષ્ટ્રીય સંસ્થા `યુરોપિયન યુનિયન' અને `નાટો' (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન)ના હેડક્વાર્ટર્સ આ શહેરમાં હોવાથી યુરોપના કેપિટલ તરીકે ખ્યાતિ ધરાવે છે. ખાણીપીણીના શોખીનો માટે બ્રસેલ્સ ચોકલેટ, વોફલ્સ (વિદેશની વખણાયેલી અને હવે આપણા દેશમાં વિવિધ ઠેકાણે ઉપલબ્ધ સ્વાદિષ્ટ વાનગી) અને બિયરના સરનામા તરીકે જાણીતું છે. બ્રસેલ્સ પહોંચી આધુનિક વૈજ્ઞાનિક અજાયબીનું પ્રતીક `એટોમિયમ' જોયા પછી `હાઉસ ઓફ યુરોપિયન હિસ્ટ્રી' તરીકે ઓળખાતું હિસ્ટ્રી મ્યુઝિયમ અને યુરોપિયન પાર્લામેન્ટ જોવાની સિફારસ કરવામાં આવી. 

સમયના અભાવે અમે સંસદની ઈમારત જોઈ ન શક્યા પણ યુરોપના વિકાસની ઝાંખી કરાવતું ઐતિહાસિક મ્યુઝિયમ જોવાનો લહાવો જરૂર મળ્યો. લંડનના મ્યુઝિયમોની જેમ અહીં પણ પ્રવેશ ફી નથી અને અઠવાડિયાના સાતેસાત દિવસ સહેલાણીઓ માટે ખુલ્લું હોય છે. યુરોપિયન યુનિયનની સત્તાવાર 24 ભાષામાં જાણકારી મળી શકે છે. મર્યાદિત સમયમાં વિહંગાવલોકનથી જ સંતોષ માની લેવાનો હતો. કોઈના સૂચનથી યુરોપિયન હિસ્ટ્રીની રસપ્રદ મહિલાઓથી વાકેફ થવાની કોશિશ કરી ત્યારે એક ભારતીય કનેક્શન મળી આવતા આનંદ આનંદ થઈ ગયો. વિદેશની વાહ વાહ કરાય, પણ જો સ્વદેશી ચમકારો દેખાયતો એ વાહ વાહનો ગુણાકાર થઈ જાય.

સોફિયા દુલિપસિંહ

વિજ્ઞાનમાં અદ્વિતીય યોગદાન બદલ બે વખત નોબેલપ્રાઈઝ મેળવનારાં મેરી ક્યૂરી, દંતકથા બની ગયેલી નર્સ ફ્લોરેન્સ ઓફ નાઇટેન્ગલ, ઈજિપ્તની રાણી ક્લિયોપેટ્રા વગેરે ઈતિહાસ પ્રસિદ્ધ સન્નારીઓનાં ચિત્રો જોઈ રહ્યા હતા ત્યારે ગ્રુપની એક વ્યક્તિએ મહિલાઓના મતાધિકાર માટેની ખ્યાતનામ ચળવળ (સફ્રજેટ મુવમેન્ટ)ની પ્રણેતા બ્રિટિશ મહિલા એમિલીન પેંકહર્સ્ટ તરફ ધ્યાન દોર્યું. એમિલીનની અથાક કોશિશોને પગલે મહિલાઓ બ્રિટનમાં મતાધિકાર મેળવી શકી. 

અમારા સદનસીબે મ્યુઝિયમમાં એક જૈફ બ્રિટિશ સજ્જન હાજર હતા, જેમને આ ચળવળ વિશે ઘણી જાણકારી હતી. જોકે બ્રિટિશ ઉચ્ચારવાળા અંગ્રેજીની અમુક વાત તો સમજાઈ પણ નહીં. આમ છતાં, એક નામ સાંભળી કાન સરવા થયા અને એના વિશે વધુ જાણકારી મેળવવાનો લોભ થયો. એ નામ હતું સોફિયા દુલિપસિંહ. ઈતિહાસની રુચિને કારણે દુલિપસિંહ શીખ સામ્રાજ્યના અંતિમ મહારાજા હતા એ ખબર હતી. દુલિપસિંહના સંતાનોમાં એક દીકરી હતી- સોફિયા દુલિપસિંહ. 

બ્રિટિશ મહિલાઓને મતાધિકાર મળ્યો અને ચળવળનું નેતૃત્વ કરનારી એમિલીન પેંકહર્સ્ટનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું, પણ સોફિયાની લડત અને એનું યોગદાન પણ મહત્ત્વનાં હતાં. માતા-પિતાના અવસાન પછી રાજ્યાશ્રયમાં ઉછરેલી સોફિયા 1908માં ભારત આવી ત્યારે આપણા દેશની ગરીબી અને બ્રિટિશ શાસનના અસલી કરતૂતોથી વાકેફ થઈ અને બ્રિટન પાછા ફર્યાં બાદ મહિલાઓના હક માટે લડવાના નિર્ધારે એ એમિલીનની ઝુંબેશ સાથે સંકળાઈ. વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને ચળવળને અસરકારક બને એ માટે શક્ય એટલા પ્રયત્નો કર્યા. 

મહિલાઓના હક તરફ સરકારનું ધ્યાન દોરવાય એ આશય સાથે 1911માં આયોજિત વ્યાપક જનગણનાનો `વિમેન્સ ફ્રીડમ લીગ' દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જો તેમને નાગરિક ન ગણવામાં આવતા હોય અને લોકશાહીમાં મળતા અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય તો નાગરિક તરીકે તેમની ગણતરી કરવાની જરૂર નથી એવી તેમની દલીલ હતી. જોકે, સોફિયાનો ઈરાદો અલગ હતો. પોતાનો અવાજ પહોંચાડવાનો હતો. 

વસતિ ગણતરીના ડોક્યુમેન્ટ (સેન્સસ શીટ) પર બ્લુ ઈન્કથી તેણે લખ્યું:No Vote, no census, as women do not count, they refuse to be counted, I have a conscientious objection to filling in this form અર્થાત્‌‍ મતાધિકાર નહીં તો વસ્તિ ગણતરી પણ નહીં, મહિલાઓને ગણતરીમાં નથી લેવામાં આવતી તો અમારી ગણતરી થાય એ સામે અમારો વિરોધ છે. આ ફોર્મ ભરવા સામે નૈતિક રીતે મારો વાંધો છે... આટલું લખી સોફિયાએ પોતાનું નામ મોટા અક્ષરે વંચાય એમ લખ્યું.    

1918માં પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયા પછી 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મતાધિકાર મળ્યો અને 1928માં પુરુષના સમાન અધિકાર (21 વર્ષની ઉંમરે મતાધિકાર) મળ્યો. એના આ પ્રયાસોનું મૂલ્ય એટલું ઊંચું છે કે ભારતમાં મહિલા અધિકારની ઝુંબેશમાં પણ એના પડઘા પડ્યા.