જ્વલંત નાયક
1982નું એ વર્ષ હતું. એ વખતે તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો નહોતો. જગતિયાલ જીલ્લો ત્યારે આંધ્ર પ્રદેશનો જ હિસ્સો ગણાતો. આમ તો બધું સમુસૂતં ચાલતું હતું, પણ વિદ્યાર્થીઓ ના કટ્ટરવાદી ગણાતા સંગઠન `રેડિકલ સ્ટુડન્ટ યુનિયન' (આરએસયુ) અને પોતાનો પગદંડો જમાવવા મથી રહેલી `અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ' વચ્ચે કોલેજ કેમ્પસમાં માથાકૂટ થયે રાખતી. આવી જ એક બબાલમાં વાત વધી પડી અને પોલીસ ફરિયાદ નોંધાઈ. કોલેજીસમાં આવું બધું ચાલ્યે જ રાખતું હોય. પણ આ વખતે થયું એવું કે મારામારીના કેસમાં `આરએસયુ' સાથે સંકળાયેલા એક વિદ્યાર્થીનું નામ ખુલ્યું. આ વિદ્યાર્થી પરીક્ષાખંડમાં પેપર લખી રહ્યો હતો એ જ સમયે પોલીસે આવીને એની ધરપકડ કરી... અને પેલા વિદ્યાર્થીના જીવનની દિશા બદલાઈ ગઈ.
કટ ટુ મે, 2026.....
ફરી એક વખત એક વિદ્યાર્થી વર્ગખંડમાં પરીક્ષા આપવા આવ્યો અને આખા દેશના મીડિયાનું ધ્યાન એના પર ગયું, કારણ કે આ એ જ વિદ્યાર્થી હતો જેને સાડા ચાર દાયકા અગાઉ પોલીસ ચાલુ પરીક્ષામાંથી ઊંચકી ગયેલી. એ દિવસ અને આજની ઘડી વચ્ચેના ચાર દાયકાનો સમય હવે ઇતિહાસ બની ગયો છે. એક એવો ઇતિહાસ જેમાંથી સરકારી તંત્રે તેમજ વાતે વાતે આક્રોશમાં આવીને કોઈકનો હાથો બની જનારા યુવાનોએ બોધ લેવાનો છે.
જે વિદ્યાર્થીની વાત થઇ રહી છે એનું નામ થિપ્પિરી તિપતિ. લોકો એને આ મૂળ નામ સિવાય બીજા અનેક નામથી ઓળખે છે, પણ હાલ એ દેવજી તરીકે વધુ પ્રખ્યાત છે. આપણે પણ એને દેવજી તરીકે જ ઓળખીશું.
1982માં કોલેજના રાજકારણમાં કેરિયર અટવાઈ, એના એક વર્ષ બાદ દેવજી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈ ગયો. માત્ર જોડાયો નહિ, પણ અત્યંત સક્રિય સદસ્ય બન્યો. તમે ગમે એટલી બૌદ્ધિક દલીલો અને તર્કો રજૂ કરો, પણ આવા યુવાનો અંતે નક્સલવાદની ચુંગાલમાં સપડાય છે. દેવજી સાથે પણ એ જ થયું.
ન્યાય મેળવવા માટે સિસ્ટમ સામે સશસ્ત્ર સંઘર્ષમાં ઉતરેલ દેવજી પણ નક્સલવાદી બની ગયો. ગઢચિરોલી જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં એની હાક વાગવા માંડી. પોતાની ટોળકીમાં એ લીડરના સ્થાન સુધી પહોંચી ગયો. કટ્ટર માઓવાદી બની ગયેલા દેવજીના હાથમાંથી પેન- બોલપેન બહુ પાછળ છૂટી ગઈ. હવે એ AK-47 જેવા ઘાતક હથિયારોથી રમતા શીખી ગયો.
એક સમય એવો આવ્યો કે સર્વોચ્ચ નક્સલી નેતા બાસવરાજ એનકાઉન્ટરમાં મરાયો, એ પછી દેવજી નક્સલીઓનો ટોપ કમાન્ડર બની ગયો... પણ પછી પરિસ્થિતિ બદલાઈ. ભારત સરકારે ચારે તરફથી ભીંસ વધારીને નકસલવાદના કોફીનમાં છેલ્લો ખીલો ઠોકી દીધો. અનેક આતંકીઓ મરાયા, સેંકડો શરણે આવ્યા. એ બધાની સાથે દેવજીએ પણ હથિયારોનો ત્યાગ કર્યો અને ગત બાવીસ ફેબ્રુઆરીએ સરકાર સામે શરણાગતિ સ્વીકારી.
દેવજીનો પરિવાર આખા ઘટનાક્રમથી બહુ ખુશ છે. દાયકાઓ બાદ પરિવારે દેવજીને જીવતો-જાગતો જોયો એ જ બહુ મોટી ઘટના છે. નાનો ભાઈ ગંગાધર કહે છે કે ભાઈ માઓવાદી બની ગયો એ પછી કદી સંપર્ક થયો નહોતો. માત્ર ન્યૂઝપેપર્સમાં છપાતો ભાઈનો ફોટો જ અમને જોવા મળતો! માઓવાદી બનતા પહેલાં જ દેવજી પરણી ગયેલો, પણ દાયકાઓ લાંબો ભૂગર્ભવાસ વેઠ્યો એ દરમિયાન પત્નીનું અવસાન થયું.
આ બધા વચ્ચે ખરા અર્થમાં ધ્યાનાકર્ષક વાત એ છે કે વર્ષો પહેલા જે પરીક્ષા અધૂરી રહી ગયેલી એ પરીક્ષા દેવજીએ આ અઠવાડિયે ફરી આપી. કદાચ આ વખતે ય ઓછી તૈયારીને પ્રતાપે એ નાપાસ થશે. જોકે એક વાત નક્કી છે, આ વખતે નિર્ણય લેવામાં એ નાપાસ નથી થયો. બંદૂક છોડીને બોલપેન પસંદ કરનાર દેવજી પરીક્ષા પાસ કર્યા બાદ વકીલાતનું ભણીને કાયદાકીય સંઘર્ષ દ્વારા અન્યાય સામે લડશે.
આ માત્ર એક દેવજીની વાત નથી. છેલ્લાં બે વર્ષથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલી આતંકવાદના સફાયા માટે 31 માર્ચ, 2026ની ડેડલાઈન જાહેર કરેલી. દેવજીએ આ ડેડલાઈન પહેલા જ સરન્ડર કરેલું. આજે મે મહિનો ચાલે છે ત્યારે સરકારે પણ આ ડેડલાઈન સફળતાપૂર્વક પાર કરી હોવાનું કહી શકાય,પણ હવે પછીની જવાબદારી વધુ મહત્ત્વની છે.
વિવિધ સ્રોતોમાંથી મળતી માહિતી મુજબ ભારત સરકાર શરણે આવેલા નક્સલીઓને થાળે પાડવા માટે સચેત છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન આશરે સાડા ચારથી પાંચ હજાર જેટલા માઓવાદીઓ-નક્સલવાદીઓએ હથિયાર છોડીને શરણાગતિ સ્વીકારી છે. આ દરેકને ત્રણ વર્ષ સુધી માસિક બે હજારની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે સમાજની મુખ્ય ધારામાં ભળવા માટે સ્કીલ બેઇઝ્ડ ટ્રેનિંગ પણ આપવામાં આવશે, જેથી આગળ જતા તેઓ આર્થિક રીતે પગભર થઇ શકે.
એ ઉપરાંત દોઢ લાખની ફિક્સ ડિપોઝિટ પણ અપાય છે. જો ત્રણ વર્ષ સુધી વર્તન સારું રહે તો જ આ રકમ ખાતામાં જમા થશે. એમાં વળી જો કોઈ નક્સલી પોતાની પાસેનું હથિયાર પણ સરકારને જમા કરાવે તો એના પર વિશેષ લાભ મળે. કોઈ શરણાગતિ સ્વીકારતી વખતે કોઈ પોતાની પાસે રહેલી એકે ફોર્ટી સેવન રાઈફલ સરકારને આપી દે તો આ વ્યક્તિને વધારાના પંદર હજાર આપવામાં આવે છે.
આ તો થઇ આર્થિક સહાયતાની વાત, પણ હવે પછીની સૌથી મોટી જે જવાબદારી સરકારને શિરે આવશે તે ફરી પાછો કોઈ નક્સલી પેદા ન થાય એ જોવાની... આને માટે જળ, જમીન સહિતની વન્ય સંપત્તિ અને વંચિતો, આદિવાસીઓના અધિકારોનું રક્ષણ-સંવર્ધન કર્યા વિના ચાલવાનું નથી. નહિતર એક ય બીજા સ્વરૂપે નવા દેવજીઓ પેદા થતા રહેશે અને દેશના દુશ્મનોનો હાથો બનતા રહેશે.