Sat May 16 2026

Logo

એક આગવી રહસ્ય કથાઃ પતિવ્રતા

2026-05-16 09:00:00
Author: Tina Doshi
Article Image

 

ટીના દોશી

પતિવ્રતા હોવાનો મારો કોઈ દાવો નથી, પણ મારા પતિને હું પારાવાર પ્રેમ કરું છું એમાં શંકાને સ્થાન નથી. સતીની જેમ હું મારા અંગઅંગના ટુકડા કરી શકું એમ નથી, શાંડિલીની જેમ સૂર્યને ઊગતો રોકવાની શક્તિ મારામાં નથી, સાવિત્રીની જેમ યમરાજ પાસેથી પતિના પ્રાણ પાછા આણવાનું સામર્થ્ય મારામાં નથી, અનસૂયાની જેમ દેવોને બાળક બનાવી દેવાની સિદ્ધિ મારામાં નથી ને અરુંધતીની જેમ દેવોને નમાવવાની મારી હેસિયત નથી...એથી તો કહું છું કે પતિવ્રતા હોવાનો મારો કોઈ દાવો નથી, પણ મારા પતિને હું પારાવાર પ્રેમ કરું છું એમાં શંકાને સ્થાન નથી. 

હું આરતી દેસાઈ... માની લાડકી ને પિતાની લાડકવાયી. અત્યંત લાડકોડથી ઉછરી. દોમ દોમ સાહ્યબી હતી પિયરમાં. ત્રણ માળના બંગલામાં રહેતી ને ગાડીમાં મહાલતી. નોકરચાકરોની કોઈ કમી નહોતી. જે માંગું તે પળવારમાં હાજર થઈ જતું. નાણાંની રેલમછેલ હતી ઘરમાં. સ્વાભાવિક જ નાણાંભીડ એટલે શું એ મને ખબર જ ન પડી. આમ ને આમ હું કૉલેજમાં આવી. વસ્ત્રોની મારી સૂઝબૂજ, મારી આગવી છટા ને રમતિયાળ અદાને પગલે ઝટપટ મિત્રો પણ બની ગયાં. છોકરીઓ ઉપરાંત છોકરાઓ પણ મારા મિત્રમંડળમાં સામેલ હતા. એમાંથી અનુપમ અને આનંદ ને ખાસ મિત્રની શ્રેણીમાં મૂકી શકાય. આનંદ અતિ સંપન્ન પરિવારનો અને અનુપમ સાવ સામાન્ય ઘરનો. 

કૉલેજના છેલ્લાં વર્ષમાં એક દિવસ આનંદે અણધાર્યો જ મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. હું સ્તબ્ધ થઈ ગઈ. મારી બોલતી બંધ થઈ ગઈ. પણ મારા મૌનને આનંદે મારી સંમતિ માની લીધી. બીજે દિવસે આનંદ એના માતાપિતા સાથે મારે ઘેર મારું માગું લઈને આવ્યો. કરોડપતિ પરિવારમાંથી આવેલો વિવાહપ્રસ્તાવ જોઈને મારાં માતાપિતા તો ખુશખુશાલ. 

આમેય ધનદોલતની દૃષ્ટિએ તો અમે પણ સમૃદ્ધ જ હતાં. વળી મારાં માતાપિતા મને અતિશય સમૃદ્ધ પરિવારમાં, આનંદનો હતો એવા જ ધનાઢ્ય પરિવારમાં પરણાવવા માંગતા હતા. સામસામા પલ્લામાં મૂકીએ તો અમારા બેય પરિવારમાંથી કોઈનું પલડું ભારે નહોતું ને કોઈનું પલડું નમતું નહોતું. સમતોલ કહી શકાય એવી આર્થિક સ્થિતિ હતી. એટલે આ સંબંધ બંધાય એની સામે કોઈને અડચણ આવે એમ નહોતી. કોઈને વાંધો પડે એમ નહોતું. 

પણ અડચણ આવી. વાંધો પડ્યો. કોઈને નહીં ને મને જ વાંધો પડ્યો. એમ જોઈએ તો આનંદ સામે મને એવો કોઈ વાંધો નહોતો આનંદ દેખાવડો ને અલ્લડ હતો. ગરિમાપૂર્ણ ઢબે કરેલી ટાપટીપથી એ સોહામણો દેખાતો. હવામાં લહેરાતા એના વાંકડિયા વાળ, વ્યાયામ થકી ખડતલ બનેલો દેહ. લેટેસ્ટ ફેશનના વસ્ત્રો. આત્મવિશ્વાસથી સભર. ભણવામાં હોંશિયાર. પહેલો નહીં, પણ બીજો-ત્રીજો નંબર તો આવે જ. ઈતર પ્રવૃત્તિઓમાં પણ આગળ. ખાસ કરીને શતરંજના ખેલનો મહારથી... 

આનંદનું વ્યક્તિત્વ એવું મોહક હતું કે કોઈ પણ યુવતી એના ભણી ન આકર્ષાય તો જ નવાઈ. હું પણ કાંઈ એમાં અપવાદ નહોતી. આનંદ જેવા પ્રતિષ્ઠિત પરિવારનું માંગું આવે એ કોઈ પણ યુવતીનું સ્વપ્ન હોઈ શકે. પરીકથાના પૃષ્ઠોમાંથી બહાર આવીને પાંખાળા ઘોડા પર સવાર થઈને આવતા રાજકુમાર જેવો હતો આનંદ... ને છતાં મને એની સામે વાંધો પડ્યો. કોઈને પણ નવાઈ લાગે... મારા વાંધા પાછળ એવું તે શું કારણ હશે!

એ કારણ એટલે અનુપમ... આનંદ અને અનુપમ બંને મારા મિત્રો. બંનેનો સાથ મને ગમતો. ક્યારેક હૈયું આનંદ ભણી આકર્ષાતું. ક્યારેક અનુપમ ભણી.હૃદયમાં અજબગજબની ઊથલપાથલ ચાલ્યા કરતી. આનંદ પણ ગમતો ને અનુપમ પણ ગમતો. કોના માટેનું ખેંચાણ વધુ હતું એ અંગે ગડમથલ થયા કરતી. પણ આનંદનું માંગું આવ્યું ત્યારે જ મને ખબર પડી કે હું અનુપમને ચાહતી હતી. હું સરિતા હતી ને એ હતો સાગર. હું પુષ્પ હતી ને એ હતો પતંગિયું. હું રાધા હતી ને કૃષ્ણ હતો એ... કેટલાયે ઉપમા ને અલંકારો હૈયામાં વીજળીની જેમ ઝબકાર કરવા લાગ્યા. 

આનંદ એના પરિવાર સાથે મારે ઘેર બેઠેલો, ત્યારે મારી આંખો સામે અનુપમનો ચહેરો ઉપસી રહેલો. મન મનોમન આનંદ ને અનુપમની તુલના કરવા લાગ્યું. આનંદની સરખામણીએ અનુપમ સાવ સાધારણ ઘરનો હતો. પણ એનામાં કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ નહોતી. ગાડી કે નોકરચાકર નહોતા એની પાસે, પણ પ્રતિભાની કોઈ કમી નહોતી. ધનદોલતના નામે એની પાસે ભણતર અને આવડત હતા. 

બુદ્ધિના બળે પોતે પથ્થરને પણ પાટુ મારીને પાણી પેદા કરી શકશે એવો વિશ્વાસ હતો એનામાં. ફેશનેબલ વસ્ત્રો નહોતા એની પાસે, પણ એની વાકછટા સાંભળનારનું ધ્યાન એના કપડાં પર જતું જ નહોતું. શરીર ખડતલ નહીં તોય કસાયેલું તો હતું જ. એની સાદગી મનમોહક હતી. ભણવામાં આનંદ બીજો ત્રીજો  નંબર લાવતો, પણ પહેલો નંબર તો કાયમ અનુપમનો જ રહેતો...  

એ અનુપમ મારી પહેલી પસંદ બની ગયો. લગ્નબંધનમાં બંધાઈને મારા જીવનસાથી બનાવવા માટે અનુપમના નામ પર મેં મહોર લગાવી દીધી. માંગું લઈને આવેલા આનંદની હાજરીમાં જ કહી દીધું : `હું અનુપમને ચાહું છું. એની સાથે જ લગ્ન કરીશ.'

આનંદ ક્ષણભર છોભીલો પડી ગયો. આમ તો એ ડઘાઈ જ ગયેલો. પણ થોડી વારમાં સ્વસ્થ થઈને એ મને અભિનંદન પાઠવી રહ્યો. પણ મારાં માતાપિતા ક્રોધે ભરાયાં. આટલો સારો સંબંધ હાથમાંથી જવા દે એનાથી વધીને મૂર્ખતા હોઈ જ ન શકે... મુખ પર વિષાદ લીંપીને આનંદ અને એના માતાપિતા મારે ઘેરથી રવાના થયા ત્યારે પણ મારાં માતાપિતા મને સમજાવી રહેલા. 

પણ હું ન જ માની. ઊલટું હું મારાં માબાપને અનુપમ માટે રાજી કરવા મથી. પણ બેય જિદ્દી નીકળ્યાં. ન જ માન્યાં. હું આનંદને છોડીને અનુપમ સાથે લગ્ન કરીશ તો મને તમામ મિલકતમાંથી બેદખલ કરી દેશે એવી ધમકી પણ આપી. તોય હું ન માની. હવે તો અનુપમ જ મારી મિલકત હતી, મારી સઘળી સંપત્તિ હતો ને માં સર્વસ્વ હતો !

તમે નહીં માનો...પણ અનુપમે સુદ્ધાં મને એની સાથે લગ્ન ન કરવા માટે સમજાવી. પોતે સાધારણ સ્થિતિનો હોવાથી રૂપિયાના અભાવે મારી જિંદગી સંઘર્ષમય બની જશે ને હું હેરાનપરેશાન થઈ જઈશ એવી દુહાઈઓ આપી. મારા જેવી મલમલ પહેરનારને માદરપાટ પહેરવું પડશે, રેશમી તળાઈને બદલે ક્યારેક સાથરા પર સૂવાનો વારો આવશે ને બત્રીસ ભોજન તથા છત્રીસ પકવાન ખાવાને ટેવાયેલી મને સાદું ભોજન પણ માંડ મળશે એવાં જોખમોનો ચિતાર પણ આપ્યો. છતાં મેં હઠે ચડીને અનુપમ સાથે લગ્ન કરી જ લીધાં.

લગ્ન કરીને હું અને અનુપમ મારાં માતાપિતાનાં આશીર્વાદ લેવા ગયાં ત્યારે એમણે મને સઘળી સંપત્તિમાંથી તો બેદખલ કરી જ દીધેલી, પણ ફરી ક્યારેય મોઢું ન બતાડવાનું કહીને દરવાજેથી જ જાકારો આપી દીધો. અમારા મોં પર જ દરવાજો બંધ કરી દીધો. મેં અનુપમ સાથે છેડાછેડીની ગાંઠ બાંધેલી, પણ એમણે મારી સાથે છેડો સદંતર ફાડી નાખ્યો. અનુપમે મને સધિયારો આપ્યો. હું ઉદાસ થઈને આંખમાંથી વહેતી અશ્રુધારા સાથે પિયરેથી ચાલી નીકળી સાસરે જવા. 
 
અનુપમના ઘેર તો કોઈ જ નહોતું. ન માતાપિતા ન કોઈ ભાઈબહેન. અમે બે જ હતા એકમેકનો સહારો. ખાલી ખોરડાએ અમને આવકાર્યાં. અરે હા, એક વાત કહેવાની તો રહી ગઈ... અનુપમનો હાથ તો મળ્યો, પણ આનંદનો સાથ છૂટ્યો. એ તો એવો ગાયબ થયો, જાણે ક્યારેય અમારા જીવનમાં હતો જ નહીં. ખેર ! મેં ને અનુપમે પરસ્પરનો હાથ પકડી લીધેલો ને એકબીજાને સાથ આપવાનો કોલ પણ દઈ દીધેલો. 

ધાર્યા પ્રમાણે જ લગ્નજીવનનો આરંભ સંઘર્ષથી થયો. એકમેકની આંખમાં આંખ પરોવીને અમે સંસારસાગરમાં ડૂબકી લગાવી. અનુપમે નોકરીની શોધ આદરી. સ્નેહને સથવારે બે મહિના તો વીતી ગયા. પછીના બે મહિના બાદ એક મલ્ટિનેશનલ કંપનીમાં અનુપમને સાધારણ નોકરી મળી. પગાર પણ મામૂલી. પણ એટલા રૂપિયા પણ મારા માટે ઘણા હતા. મહિયરમાં લાખ્ખોમાં આળોટતી મને સાસરિયે થોડા રૂપિયાથી સંતોષ હતો. કાંઈ ન હોય એના કરતાં જે મળે એ શું ખોટું ? 

અનુપમ કઠોર પરિશ્રમ કરતો. મહેનતનાં ફળ મીઠાં. નોકરી મળ્યાના બાર મહિનામાં જ અનુપમ જનરલ મેનેજર બની ગયો. મારા માટે સુખનો સૂરજ ઊગ્યો. અનુપમ કહેતો, જોજેને મારી રાણી, આ તો હજુ શરૂઆત છે. હું હજુ વધારે મહેનત કરીશ. તને સોનાના મહેલમાં મહારાણીની માફક રાખીશ.'

હું તો જમીનથી અદ્ધર. આ જ સુખની તો પ્રતીક્ષા હતી. ક્યારેક પૈસાના અભાવે દાળિયા ફાકીને દહાડો કાઢવો પડતો. એ દિવસોનો તો પડછાયો પણ નહીં પડે. થોડા દિવસોમાં જ રૂપિયાની રેલમછેલ થઈ જશે. પછી તો બંગલો, નોકરચાકર ને આંગણે મોટી ગાડી..પણ હાય રે નસીબ ! એમ સપનાં સાચાં પડવા માંડે તો બીજું શું જોઈએ ?

રૂમઝૂમ પગલે લક્ષ્મીજીએ હજુ તો પગલું પાડ્યું જ હતું કે અમારા ગ્રહો બદલાયા. લક્ષ્મીજી રૂસણે બેઠાં. કોઈની બૂરી નજર લાગી ગઈ કે શું, અનુપમ જે કંપનીમાં કામ કરતો ત્યાં એના પર કાળાંધોળાં કર્યાના આળ મૂકાયા. સંસારસમુદ્રમાં મઝધારે પહોંચતાં પહેલાં અમારી જીવનનૈયા તોફાનમાં ફસાઈને ડૂબવાને આરે આવી ગઈ. અનુપમે બે હાથ જોડીને પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યે રાખ્યું, પણ પુરાવાઓ સજ્જડ હતા. એની વાત કોઈએ કાને ના ધરી. અનુપમની નોકરી ગઈ. એ મને કહ્યા કરતો, `મેં કાંઈ ખોટું કર્યું નથી. તું મારો ભરોસો કર.'

મને ભરોસો હતો અનુપમ પર. જાત કરતાં પણ વધુ ભરોસો હતો. પણ ભરોસાથી ભૂખ ક્યાં ભાંગે છે ! પાપી પેટ તો ખાવાનું માંગે જ છે. અનુપમે આછીપાતળી નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો. બે ટંકનો ખાવાનો જોગ તો થાય. પણ બજારમાં એનું નામ બદનામ થઈ ગયેલું. એને નોકરી ન મળી. કરકસરથી જીવતાં તેમાં કંજૂસી ઉમેરી દીધી. અઢીત્રણ મહિનામાં તો બધી બચત સાફ. માબાપે તો ઓળખવાનો જ ઇનકાર કરી દીધો. તારાં કર્યાં તું ભોગવ.

આખરે મેં નોકરી કરવાનું નક્કી કર્યું. શોખ ખાતર હું સ્ટેનોગ્રાફી શીખેલી. એ શીખેલું મને હવે કામ આવવાનું હતું. હું નોકરી શોધવા નીકળી. છાપામાં વાંચ્યું કે દલાલ એન્ડ કંપનીમાં ભરોસાપાત્ર સ્ટેનોગ્રાફરની જરૂર હતી. મેં તરત અરજી કરી દીધી. અઠવાડિયા પછી કોલ લેટર આવ્યો. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી હું કંપનીમાં પહોંચી. બોસની ખુરસી પર આનંદને બેઠેલો જોઇને હું આશ્ચર્યચકિત. મારી આપવીતી સાંભળીને આનંદે મને સારા પગારે નોકરીએ રાખી લીધી.

હું સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવા લાગી. આનંદની પર્સનલ સેક્રેટરી હોવાને કારણે એની સાથે વધુ સમય ગાળવો પડતો. ધીમે ધીમે અમારી નિકટતા વધતી ગઈ. એ ક્યારેક મને ઘેર ડ્રોપ કરી દેતો, તો ક્યારેક કોફી પીવા લઈ જતો.
 
અહેસાનના બોજ તળે કચડાયેલી હું એનો ઝાઝો પ્રતિકાર ન કરી શકતી. સહવાસ વધવા લાગ્યો. મારી જાણબહાર મારી માનસિક સ્થિતિ ડામાડોળ થવા લાગી. ક્યારેક વિચારતી કે, આનંદનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હોત તો આજે કંપનીની માલિક હોત, નોકર નહીં... પછી મહાપરાણે હું એ વિચારો ખંખેરી નાખતી. છતાં રાતના પથારીમાં આળોટતાં માં દિલ અનુપમ તરફ ઢળતું, તો ક્યારેક આનંદ ભણી ખેંચાતું. 

આમ ને આમ છ મહિના વીતી ગયા. અનુપમ ખામોશ રહીને મારી કશ્મકશ જોઈ રહેલો. આનંદ મારું મન વાંચી ગયેલો. એટલે એક દિવસ કોફી હાઉસમાં કોફી પીતાં પીતાં આનંદ મારી આંગળીમાં આંગળી પરોવી રહ્યો.: `આરતી, હજુ મોડું થયું નથી...આપણે લગ્ન કરી શકીએ એમ છીએ.' 

 `પણ અનુપમ...એને હું કેવી રીતે છોડું ?' મેં આંગળી સેરવી લીધી.
 `તારે છોડવાનો નથી. એ દુનિયામાં જ રહેવાનો નથી.' આનંદે ધગધગતું સીસું કાનમાં રેડ્યું. 

`સાંભળ, મારા એક ડોક્ટર મિત્રએ મને એવું રસાયણ આપ્યું છે જે કોઈ પણ પીણાંમાં ભેળવીને પીવાથી કેટલીક સેક્નડોમાં જ માણસ મૃત્યુ પામે છે. તારે અનુપમને એ રસાયણ ચા કે કોફીમાં ભેળવીને પીવડાવી દેવાનું...પછી બસ, હું ને તું...' મને રસાયણ આપી રહેલા આનંદના પેટનું પાણી પણ હલતું નહોતું. 

`પણ મારા પર શંકા નહીં આવે ?' હું જોખમ લેવા માંગતી નહોતી. 

`તું એમ કરજે... સવારે હાથમોજાં ચડાવીને અનુપમને પેલું રસાયણ પીવડાવી દેજે. એ મરી જાય પછી રોજના સમયે ઓફિસે જવા નીકળવાનું કહીને સામાન સાથે મારા આઉટહાઉસ પર અગિયારને ટકોરે આવી જજે. કોઈ તને જુએ નહીં એ માટે પાછળના દરવાજેથી આવજે. પાછલા બારણે ચોકીદાર નહીં હોય. આપણે કોફી પીશું ને તારો સામાન અહીં મૂકીને તરત જ ઓફિસે જવા નીકળી જઈશું.' આનંદે ફૂલપ્રૂફ પ્લાન સમજાવ્યો. હું રસાયણ લઈને નીકળી ગઈ. હવે તો આ પાર કે પેલે પાર !

મારી સમયબદ્ધતાની ખાતરી કરવા તમે ઘડિયાળના ડંકા ગણી શકો. બરાબર અગિયારને ટકોરે પાછલા બારણેથી હું આઉટહાઉસમાં દાખલ થઈ. મને જોઈને ઝૂમી ઊઠેલો આનંદ કહી રહ્યો : `અરે, તેં હજુ હાથમોજાં પહેરી રાખ્યાં છે.. ખેર, હવે આપણને એક થતાં કોઈ રોકી નહીં શકે. તું નહીં જાણતી હોય મેં જ આનંદને નોકરીમાંથી કઢાવેલો. તને મારી નજીક લાવવા સ્ટેનોગ્રાફર માટે પણ મેં જ છાપામાં જાહેરાત અપાવેલી. આખરે મારું ધાર્યું થયું. તું મારી થઈ ગઈ...હવે હું કોફી બનાવું. પછી આપણે ઓફિસે જઈએ.'

`કોફી હું બનાવું છું...' કહીને હું રસોડામાં ગઈ. થોડી વારમાં બે પ્યાલા કોફી ભરીને બહાર આવી. એક પ્યાલો આનંદને આપ્યો. બીજો મેં લીધો. પરસ્પરની આંખમાંથી પ્રેમના આસવ ભરતાં ભરતાં ઘૂંટડે ઘૂંટડે કોફી પીધી. અચાનક કાંઇક યાદ આવ્યું હોય એમ આનંદે કોફી પૂરી કરીને પૂછ્યું, તારો સામાન ક્યાં છે ?'

એટલું કહેતાં તો આનંદ લથડિયું ખાઈ ગયો. જીભ તાળવે ચોંટી રહી હોય એવું લાગ્યું. બ્રહ્માંડ ચક્કરભમ્મર ફરવા લાગ્યું. આંખે અંધારાં આવવા લાગ્યાં. મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું ને એ ફર્શ પર ઢળી પડ્યો. એની પ્રાણહીન અધબીડેલી આંખો જાણે પૂછી રહેલી : `કોફીમાં ત..તેં..તેં ?'

`એ રસાયણ મેં તારી કોફીમાં ભેળવેલું, આનંદ..' મેં તિરસ્કારપૂર્વક એની સામે જોતાં કહ્યું  : `હું અનુપમને જ ચાહું છું ને એને જ ચાહતી રહીશ. તારા મનની મેલી મુરાદ જાણવા જ હું તારી હામાં હામી ભણી રહેલી. બીજી વાત, કંપનીએ અનુપમ નિર્દોષ સાબિત થતાં ફરી નોકરીએ રાખી લીધો છે. ત્રીજી વાત, મારાં આંગળાંની છાપ કોઈને મળવાની નથી. ને હું અહીં આવ્યાની ખબર કોઈને પડવાની નથી. તારી વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. હવે તો હું ને મારો અનુપમ...!'  હું સડસડાટ બહાર નીકળી ગઈ. પાછલે બારણેથી જ તો વળી. જ્યાંથી ન મને કોઈએ આવતાં જોયેલી, ને ન કોઈ મને બહાર જતી જોવાનું હતું !  

મેં શરૂઆતમાં કહ્યું એમ સતીની જેમ હું મારા અંગઅંગના ટુકડા કરી શકું એમ નથી, શાંડિલીની જેમ સૂર્યને ઊગતો રોકવાની શક્તિ મારામાં નથી, સાવિત્રીની જેમ યમરાજ પાસેથી પતિના પ્રાણ પાછા આણવાનું સામર્થ્ય મારામાં નથી, અનસૂયાની જેમ દેવોને બાળક બનાવી દેવાની સિદ્ધિ મારામાં નથી ને અરુંધતીની જેમ દેવોને નમાવવાની મારી હેસિયત નથી...એથી તો કહું છું કે પતિવ્રતા હોવાનો મારો કોઈ દાવો નથી, પણ મારા પતિને હું પારાવાર પ્રેમ કરું છું એમાં શંકાને સ્થાન નથી !

આવતા અઠવાડિયે નવી કથા