નવી દિલ્હીઃ કેરલમમાં 26મી મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. હવામાન ખાતાએ શુક્રવારે આગાહી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે કેરલમમાં જૂનથી ચોમાસું બેસે છે અને ત્યારબાદ દેશના અન્ય વિસ્તારમાં આગળ વધે છે. સાથે જ જૂનથી સપ્ટેમ્બર એમ 4 મહિના ચોમાસું હોય છે. આ સમયગાળા દરમિયાન દેશમાં 70 ટકા વરસાદ થતો હોય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ચોમાસાનો આરંભ 24મી મેએ થયો હતો. પરંતુ આ વર્ષે ચોમાસું પહેલી જૂનને બદલે ચાર દિવસ વહેલું એટલે કે 26મી મેએ શરુ થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ 24 કલાકમાં ચોમાસું બંગાળના અખાત, આંદામાન નિકોબાર ટાપુ જેવા વિસ્તારોમાં વિસ્તરશે.
અલનીનોની અસર દેખાશે
આઇએમડી અગાઉ ચેતવણી આપી ચૂક્યું છે કે આ વખતે દેશમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે. તેનું કારણ અલ નીનોની અસર છે. તેના કારણે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે. અલનીનો એક મહત્વપૂર્ણ આબોહવા ઘટના છે. જે પ્રશાંત મહાસાગરમાં પાણી ગરમ થવા પર થાય છે. તેનાથી ચોમાસાના પવનો દિશા બદલી નાંખે છે. 1 મેના રોજ જાહેર કરાયેલા પૂર્વાનુમાનમાં (આગાહીમાં) હવામાન વિભાગે જણાવ્યું હતું કે 'અલ નીનો'ની સ્થિતિ ઓછો વરસાદ થવાનું મોટું કારણ બની શકે છે.
હવામાન વિભાગનો અંદાજ છે કે આ વખતે ચોમાસા દરમિયાન દેશમાં આશરે 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે 1971 થી 2020 સુધીનો લાંબા ગાળાનો સરેરાશ (એવરેજ) વરસાદ 87 સેન્ટીમીટર રહ્યો છે.
મધ્ય પ્રદેશમાં ગરમી અને વાવાઝોડા-વરસાદની અસર
મધ્યપ્રદેશમાં શુક્રવારે દિવસભર અતિશય ગરમી અને લૂની અસર જોવા મળી હતી, પરંતુ સાંજ થતાં-થતાં કેટલાય જિલ્લાઓમાં હવામાન અચાનક બદલાઈ ગયું હતું. કેટલીક જગ્યાએ ભારે પવન (વાવાઝોડા) સાથે કરા પડ્યા હતા, જ્યારે ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથેની પવન અને હળવા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી હતી.