મિલન ત્રિવેદી
તાજેતરમાં વડા પ્રધાનશ્રીએ દેશજોગ સંબોધનમાં ચાર મુદ્દાની ગાઈડલાઈન શું આપી કે આખા દેશમાં જાણે દિવાળી અને હોળી એકસાથે આવી ગઈ હોય એવો માહોલ ખડો થઈ ગયો છે.
સામાન્ય રીતે પીએમ કંઈક જાહેરાત કરે એટલે લોકો એટીએમની લાઈનમાં ઊભા રહે કે થાળી વગાડવા ટેરેસ પર પહોંચી જાય, પણ આ વખતે મામલો અલગ છે. સૂચનાઓ કંઈક આવી છે: સોનું ન ખરીદો... વિદેશ પ્રવાસ ન કરો... વર્ક ફ્રોમ હોમ કરો અને વાહન ઓછાં ચલાવો...
આ સાંભળીને અર્થશાસ્ત્રીઓ ભલે માથું ખંજવાળતા હોય, પણ મધ્યમવર્ગીય ઘરોમાં જે ખુશીની લહેર દોડી ગઈ છે એ જોવા જેવી છે.
પતિ અને પત્ની બંને ખુશ છે, પણ બંનેના ખુશ થવાના કારણોમાં `નોર્થ પોલ' અને `સાઉથ પોલ' જેટલું અંતર છે.
એવું કીધું કે સોનું ન ખરીદો. પહેલીવાર એવું લાગ્યું કે પત્ની ન હોય તો પણ પતિદેવની વ્યથા તે સમજી શકે. પતિદેવના ખિસ્સામાં `અચ્છે દિન'ની શરૂઆત થઈ.
પુષો માટે આ સૂચના એટલે જાણે જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી ને મળેલી મુક્તિ! લગ્નની વર્ષગાંઠ હોય કે પુષ્ય નક્ષત્ર, સ્ત્રી માટે સોનું ખરીદવું એ એક ધાર્મિક વિધિ છે. પતિ બિચારો જ્વેલર્સના શોરૂમમાં એવી રીતે બેઠો હોય છે જાણે ફાંસીની સજાની રાહ જોતો ગુનેગાર...
હવે આપણા વ.પ્ર. (વડા પ્રધાન પીએમ)ની સૂચના પછી પતિ ગર્વથી કહી શકશે, `જો ભાગ્યવાન, મારે તો તને હાર લઈ જ આપવો છે, પણ દેશહિતમાં મારે મારી ઈચ્છા દબાવવી પડે છે. આપણે રાષ્ટ્રભક્ત છીએ, સોનું ખરીદીને અર્થતંત્રને નુકસાન ન કરાય!'
અગાઉ સોનું ન ખરીદી શકતા દરેક પતિને પોતે `કડકો' હોવાનું લાગી આવતું હતું. હવે દેશ ભક્ત હોવાનો ગર્વ થશે.
`વિદેશ પ્રવાસ બંધ કરો...' આ સાંભળીને પત્નીઓને થોડો ઝટકો લાગ્યો ખરો, કારણ કે પડોશ માં રહેતી ચાપલી પિન્કી સ્વિટ્ઝરલેન્ડના ફોટા ફેસબુક પર મુકતી હતી તેને દેખાડી દેવા માટે પણ વિદેશ પ્રવાસ જરૂરી હતો, પણ હવે ...
`બેબી, માય સોનુ ...અત્યારે વિદેશ જવું સેફ નથી, વડા પ્રધાને ના પાડી છે. આપણે લોકલ ફરવા જઈશું (એટલે કે બાજુના બગીચે)!' આવું નિર્ભય બની કહી શકાય.
બીજું : `વર્ક ફ્રોમ હોમ' કરવાનું કહ્યું છે. આ મુદ્દે સ્ત્રીઓ સૌથી વધુ ખુશ છે. એમને મન `વર્ક ફ્રોમ હોમ' એટલે પતિદેવનું `હોમવર્ક'! અત્યાર સુધી પતિ ઓફિસ જઈને શું કરતો હતો એ પત્નીને ક્યારેય ખબર પડતી નહીં. હવે પત્નીને લાગે છે કે પતિ ઘરે રહેશે એટલે...
શાક સુધારી આપશે...
કચરા-પોતામાં `ટેકનિકલ આસિસ્ટન્ટ' તરીકે કામ કરશે...
બાળકોને ભણાવવાની જવાબદારી લેશે...
સ્ત્રીઓ વિચારે છે કે જો પતિ 8 કલાક લેપટોપ સામે બેસી શકતો હોય, તો અડધો કલાક કૂકરની સીટી કેમ ન ગણી શકે? `વર્ક ફ્રોમ હોમ' એ સ્ત્રીઓ માટે પતિને `હાઉસબન્ડ' બનાવવાનો સુવર્ણ અવસર છે.
`વાહન ઓછાં ચલાવવા'નું કહી લોંગ ડ્રાઈવનો `ધ એન્ડ' કરાવી દીધો. રવિવારની સાંજે જ્યારે પત્ની કહેતી કે `ચલોને, ક્યાંક બહાર આંટો મારી આવીએ', ત્યારે પતિના મગજમાં પેટ્રોલના ભાવના મીટર ફરતા હતા. પીએમની આ સૂચનાએ પતિઓને કાયદેસરનું હથિયાર આપી દીધું છે.
હવે જો પત્ની કહેશે કે લોંગ ડ્રાઈવ પર જઈએ તો પતિ ગંભીર થઈને કહેશે, `પ્રિયે, પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા જો. દેશને આપણી જરૂર છે. આપણે ઘરે બેસીને જૂની ફિલ્મો જોઈશું. ચાલ, ચા બનાવ, આપણે વાહન ન ચલાવીને દેશ બચાવીએ!'
લોંગ ડ્રાઈવના નામે થતો પેટ્રોલનો અને બહાર જમવાનો તથા આઈસ્ક્રીમનો ખર્ચ બચી ગયો, એની ખુશી પુષના ચહેરા પર છલકાય છે.
આમ જો જોવામાં આવે તો પીએમની એક સૂચનાએ ભારતીય ઘરોમાં શાંતિ સ્થાપી દીધી છે.
પુરુષો ખુશ છે: કારણ કે એમની તિજોરી બચી ગઈ છે.
સ્ત્રીઓ ખુશ છે: કારણ કે એમનો `સાહેબ' હવે ઘરમાં નજર સામે રહેશે અને ઘરકામમાં હાથ બટાવશે (એવી એમને આશા છે!).
જો આ લેખ વાંચ્યા પછી તમારી પત્ની સોનું માગે, લોંગ ડ્રાઈવ પર જવાનું કહે તો ધીમેથી કાનમાં કહી દેજો- `મોદીજીએ ના પાડી છે!' (પછી જે કંઈ થાય એની જવાબદારી લેખકની રહેશે નહીં!)
વિચારવાયુ
નેતાઓ દ્વારા થતા ઉદ્ઘાટન ઓનલાઈન થઈ જાય તો?
રામનું નામ લ્યો, રામ રાજ્યનું નહીં... !