Sat May 16 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ વિલા નૂરી

2026-05-16 09:02:00
Author: Hemant Wala
Article Image

 

હેમંત વાળા

બહાર ઝુલતો કાચની દીવાલવાળો સ્વિમિંગ પૂલ, સ્વિમિંગ પૂલમાંથી તેમ જ વિલાની તે બાજુથી વિશાળ ક્ષિતિજને માણવાની ઊભી થતી સંભાવના, વધુ ઊંચાઈવાળા ઓરડાઓ, રવેશ અને અગાસીઓનો રસપ્રદ તેમ જ રચનાત્મક ઉપયોગ, આ રવેશ તથા અગાસીઓનો કૌટુંબિક સહજ-પ્રવૃત્તિઓ માટે થયેલ સકારાત્મક ઉપયોગ, વ્યૂહાત્મક રીતે ગોઠવાયેલી કાચની દીવાલોથી આજુબાજુની કુદરતી પરિસ્થિતિ સાથે સતત જળવાઇ રહેતો દૃશ્ય-સંપર્ક, 

વિલાની રચનામાં બંધિયારપણા સામે મોકળાશની થતી પ્રબળ અનુભૂતિ, જ્યાં કૌટુંબિક સ્થાન ગોઠવાયાં છે તે, ઉપરના માળેથી દૃશ્યમાન થતો વિશાળ પેસિફિક મહાસાગર, લગભગ હવામાં તરતી જણાતી હોય તે મુજબની ઉપરની છતને કારણે સમગ્ર મકાનની અનુભૂતિમાં મળતી હળવાશ, વિવિધ સ્તરે બનાવાયેલ વિવિધ મંચ સાથે સંકળાયેલી ઉપયોગિતાની ભિન્નતા અને તે બધાં સાથે સ્થાપિત થતી એક પ્રકારની સંવાદિતતા-વિલા નૂરીની આ કેટલીક ખાસિયતો છે. 

અહીં એ જણાવવાની આવશ્યકતા છે કે અહીંની સ્થાનિક ચોર્ટેગા ભાષામાં નૂરીનો અર્થ પક્ષી થાય છે. તેથી 655 ચોરસ મીટરના આ વિલામાં જાણે પક્ષીઓને મહેમાન તરીકે પ્રવેશ મળે છે.

વિલામાં ગોઠવાયેલ બે માળના સ્થાન સાથે દરેક આંતરિક જગ્યા સહકારાત્મકતાથી સંકળાય છે અને ત્યાંથી ઉપર નીચે જવા માટેનો દાદર એક પ્રકારની ચલિતતા સ્થાપિત કરે છે. આમ તો આ સમગ્ર રચના બહારના તરફ વિસ્તરતી હોય તેમ જણાય છે, પરંતુ આ બે માળની આંતરિક જગ્યા મકાનને આંતર્ભિમુખ પણ બનાવે છે. અહીં ચારે બાજુ રખાયેલ ખુલ્લાપણું અને છતને અપાયેલ ઊંચાઈને કારણે સમગ્ર વિલામાં કુદરતી હવા-ઉજાસ સ્વાભાવિક રીતે અસરકારક સ્તરે જળવાઈ રહે. 

આમ તો ઝુલતો-કેન્ટીલીવર્ડ સ્વિમિંગ પૂલ વિલાનું કેન્દ્ર બની શકે, પરંતુ હકીકતમાં તેની આજુબાજુનાં સ્થાન વિલાનો ધબકાર ઝીલવા વધુ સક્ષમ જણાય છે. આ વિલામાં અનુભવાતું ક્ષિતિજ સુધીનું ખુલ્લાપણું નોંધનીય છે. ટેકરી પર બનાવાય આ વિલા કુદરત સાથે તાલમેલ તો જાળવે જ છે, તે ઉપરાંત આ રચનાથી જાણે કુદરત પણ વધુ નિરખી ઊઠે છે. એક મંતવ્ય પ્રમાણે આ રચના પવનના પ્રવાહ સાથે જાણે સંવાદિતતા સ્થાપિત કરે છે. એક અન્ય મંતવ્ય પ્રમાણે પવનના પ્રવાહની જરૂરિયાત મુજબ જ આ વિલાની રચના કરવામાં આવી છે. એકંદરે એમ કહી શકાય કે આ વિલાનું સ્થાપત્ય અને પવન પરસ્પર સંગત કરે છે.

વિલાની માળખાકીય રચના લોખંડની ફ્રેમ પર આધારિત છે, જેની સાથે સમાંતર દીવાલો ગોઠવાઈ છે. નીચે કોન્ક્રીટ તથા પથ્થરના પાયા પર રચાયેલ આ સમગ્ર બાંધકામ દૃશ્ય અનુભૂતિના સંદર્ભમાં વજનમાં હલકું જણાય છે. તે ઉપરાંત અહીં જે લોખંડની પાઇપના પાતળાં ટેકા લેવાયા છે તેનાથી પણ મકાનનું વજન ઓછું પ્રતીત થાય છે; પરંતુ તેની રચનાનાં પ્રકારને કારણે તેની મજબૂતાઈ માટે પ્રશ્ન ઊભો નથી થતો. આ સમગ્ર રચનામાં એક તરફ લોખંડ જેવી સામગ્રી વાપરી આધુનિક તકનીકનો ઉપયોગ કરાયો છે તો બીજી તરફ ફિનિશિંગમાં પરંપરાગત સામગ્રીની પસંદગી કરાઈ છે. આ બધાં સાથે છત પર જડાયેલ સૂર્ય-ઊર્જા માટેની પેનલનો ઉલ્લેખ પણ જરૂરી છે.

એમ જણાય છે કે વિલા નૂરીની રચનામાં રહેલી સાદગીથી અહીં શાંતિ તેમજ તાણ-મુક્તિની અનુભૂતિ થઈ શકે. વળી અહીં જે રીતે અનૌપચારિક સ્થાનોનો સમાવેશ થયો છે તેનાથી કુટુંબના સભ્યો વચ્ચેનો સંબંધ વધુ દૃઢ બની શકે. અહીં પ્રાપ્ત થતાં કુદરત સાથેનાં વિશેષ પ્રકારનાં સાનિધ્યને કારણે વધુ મોકળાશ તેમજ વધુ `ખુશી'ની અનુભૂતિની સંભાવના રહે. આ રચનામાં લાકડાનાં ઉપયોગથી એક પ્રકારની કુદરતી હૂંફની અનુભૂતિ પણ શક્ય છે. 

નૂરી વિલા રચનાનાં કેટલાંક અંગથી સતત બદલાતી પ્રકાશ-છાયાની રમતને કારણે એક પ્રકારની નાટકીયતા સ્થાપિત થાય છે. ખુલ્લાં સ્થાનોમાંથી અને ઊંચકાયેલ છતમાંથી, એમ કહેવાય છે કે પક્ષીઓના આવનજાવનની સંભાવના પણ અહીં છે. આમ તો આ વૈભવી વિલા છે, તે છતાં પણ તેમાં રહેલી સરળતાને કારણે તેમાં ગ્લેમરનો ભાવ નથી જણાતો.

એક અભિપ્રાય મુજબ આ વિલા તેની છત અને જમીન પરની કુદરતી પરિસ્થિતિ વચ્ચે લટકાવી દેવાયું છે. કંઈક અંશે આ વાત સાચી પણ લાગે છે. નીચેની જમીન ટેકો આપે છે અને ઉપરની છત જાણે મકાનને લટકાવી રાખે છે. આ બે વચ્ચે ભૌમિતિક તાલમેલ સાથે રચના નિર્ધારિત કરવામાં આવી છે. 

એમ કહી શકાય કે મૂળભૂત સવલતો ઉપરાંત પાંચ શયનકક્ષ વાળું આ વિલા એક રીટ્રીટ સમાન છે, જે એક અસાધારણ અનુભવ માટે નિશ્ચયપૂર્વક દાવો કરી શકે. સરળતા, સ્પષ્ટતા, ચીવટતા, સમાવેશીયતા તથા વિગતીકરણ જેવી બાબતો માટે આ વિલાનો ઉલ્લેખ થઈ શકે. કોસ્ટા રિકાના રિઝર્વ કોન્ચલમાં ચાલુ વર્ષે 2025માં તૈયાર થયેલ વિલા નૂરીની આ કેટલીક ખાસિયતો છે.

સ્થપતિ સ્ટુડિયો સેક્સે દ્વારા તૈયાર કરાયેલ આ રચના અમુક રીતે પ્રશંસાને યોગ્ય છે અને સાથે સાથે તેની ટીકા પણ જરૂરી છે. ક્યારેક એમ જણાય છે કે આ પ્રકારની રચનામાં સામગ્રી, ઊર્જા તેમ જ સંસાધનોનો જરૂરિયાત કરતાં વધારે ઉપયોગ થતો હોય છે. એવો દાવો થઈ શકે કે વ્યક્તિની પહોંચ પ્રમાણે તે ખર્ચ કરી શકે, પરંતુ ક્યાંક ભવિષ્ય માટે પણ વિચારવાની આવશ્યકતા છે. 

એકવાર માની લઈએ કે વિશ્વની દરેક વ્યક્તિ પાસે આ પ્રમાણેની સંપત્તિ આવી જાય છે અને પછી જો દરેક વ્યક્તિ આ પ્રકારના વિલાની રચના માટેનો આગ્રહ રાખે તો કદાચ પૃથ્વી પરનાં બધાં જ સંસાધનો ખર્ચાઈ જાય. સમજવાની વાત એ છે કે હાથમાં સંપત્તિ આવી જાય એટલે સંસાધનોનો બગાડ કરવાની છૂટ નથી મળી જતી. ક્યાંક સંયમની આવશ્યકતા છે, તેની શરૂઆત સ્થપતિએ કરવી પડે.