Sat May 16 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ બર્ગનના ઓલ્ડ વોર્ફના રંગો વચ્ચે નૉર્વેજિયન સિટી લાઇફ...

2026-05-16 08:58:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

નૉર્વે એક વાર સારી રીતે ફર્યા પછી કોણ જાણે કેમ, જ્યાં પણ જાઓ, બાકીની ટ્રિપ પર ઘર સાથે નૉર્વે પણ યાદ આવ્યા કરતું હોય છે. મારી બે મિત્રો, મેહા અને ડૉવ્ન, બંને નૉર્વે માટે મારા જેટલાં જ ગાંડા થઈ ગયાં હતાં. દુનિયામાં સારૂં એવું ફર્યા પછી મને ફરવા માટે મારૂં મનપસંદ સ્થળ કયું, એ પ્રશ્નનો જાણે જવાબ મળી ગયો હતો. કુમારનું કહેવું એમ હતું કે અહીં મિડ-નાઇટ સનના ટાઇમમાં આવ્યા પછી એ નિર્ણય ન લઈ શકાય. શિયાળાનું નૉર્વે થરથરાવી દેતું તો છે જ, સાથે ત્યાં નોર્ધર્ન લાઇટ સિવાય કરવા માટે કશું ન હોય. સતત છ મહિનાનું અંધાં કોઈ રીતે સહૃા બનાવવું પડે. 

વાત બરાબર હતી. મેં જરા વાત સ્પષ્ટ કરી. ઉનાળાનું નૉર્વે માં સૌથી મનપસંદ સ્થળ છે. કોઈ હાઇક કે ખાસ ઝાંકી કે દૃશ્ય માટે નહીં, બસ તે પહેલી મુલાકાત દરમયાન ત્યાં જે રિલેક્સ્ડ, હળવાફૂલ થઈને રખડવા મળ્યું હતું, તે મજા માટે. તેમાં મિત્રો સાથે હતાં, બધી તરફ સારી ચીજો ખરીદવા, ખાવા અને જોવા મળતી હતી, એક પ્રકારની ક્લિનિકલ શાંતિ હતી. જર્મની હોય, યુકે કે પછી અમેરિકા કે આર્જેન્ટિના, મોટાભાગનાં સ્થળો શાંત હોવા છતાં, ત્યાં કોઈ અનોખો હમિંગ અવાજ આવતો જ હોય છે. 

નૉર્વેની કંટ્રી સાઇડમાં એ અવાજ પણ જાણે ગાયબ થઈ ગયો હતો. જોકે બર્ગનના ડાઉનટાઉન માં એ અવાજ ફરી પાછો આવી ગયો હતો. એ અવાજ અંતે તો માણસો જ કરતા હતા. એટલે જ ઘણી વાર ધમધમતા ભારતમાં રહેતા લોકોના પરિવારજનો કોઈ શાંત વેસ્ટર્ન કંટ્રીમાં પહોંચી જાય ત્યારે એક કૉમન ઑબ્ઝર્વેશન એ પણ રહેતું હોય છે કે અહીં તો માણસ જોવા તરસી જવાય. એ લોકોને નૉર્વેમાં પણ એ પ્રશ્ન તો થાય જ, પણ બર્ગનની બરાબર મધ્યે અમે બધી તરફ માણસોથી ઘેરાઈ ગયા હોઈએ એવું લાગતું હતું. 

કુદરત અને શાંતિવાળું નૉર્વે બર્ગનની મધ્યે નથી. તેમાંય ઓલ્ડવોર્ફની એકબીજાથી જોડાયેલી રંગીન લાકડાની ઇમારતો વચ્ચે કાફે, આર્ટ એક્ઝિબિશન, બેકરી અને સુવિનિયર શૉપ્સની હારમાળા છે. એમાંય તે દિવસે તો મજેદાર તડકો નીકળ્યો હતો. દુનિયાભરથી ટૂરિસ્ટ-બસો આવી હતી. વોર્ફમાં કોઈ પણ કાફેની તડકાવાળી ખુરશીઓ ખાલી ન હતી. અને અહીં અત્યંત સ્થાનિક બેકરી પણ પોતાની જાતને આર્ટ એક્ઝિબિશન સમજતી હોય તેવી રીતે સજાવેલી હતી. 

બધું જ ટૂરિસ્ટ માટે જ ખાસ પાંજરું રાખેલું હોય તેવું લાગતું હતું. પહેલી સુવિનિયર શૉપ પછી બધે એ જ ટ્રોલનાં મેગ્નેટ અને સ્ટૅચ્યૂ દેખાવા લાગ્યાં હતાં. બધો ચાઇનાનો સુવિનિયર માલ દુનિયાના આ ખૂણે પણ પહોંચી ગયો હતો. મોટાભાગના દુકાનવાળા પણ એ બાજુ જ ક્યાંકથી આવ્યા હોય એવું લાગતું હતું. હવે એવામાં ત્યાંથી લોકલ બનેલી ચીજો શોધીને ખરીદવાનું પણ મિશન બની ગયું હતું. 

એક સુવિનિયર શૉપમાં સ્થાનિક પેઇન્ટરોએ બનાવેલાં પેઇન્ટિગ અને સ્કેચની પ્રિન્ટ્સ પોસ્ટકાર્ડ સાઇઝથી માંડીને દીવાલ પર લટકાવવાની દરેક સાઇઝમાં મોજૂદ હતાં. બધામાં બર્ગનના જ કોઈ ખૂણાનું કૅરેક્ટર જોવા મળતું હતું. એ ખરીદવામાં અમે જરા પણ અચકાયાં નહીં. 

નૉર્વે બાકીની દુનિયા કરતું અનોખું લાગતું હતું, પણ સુવિનિયર વેચવાની પૅટર્ન તો દુનિયાના આ સાવ ઉત્તરીય ખૂણામાં પણ એની એ જ હતી. જોકે તે ઇમારતોની માવજત અને દેખાવ અલગ જ સ્તરનાં હતાં. અને વોર્ફના આ લાકડાના માંચડા છેક ચૌદમી સદીથી આજે પણ ત્યાં જ ઊભા છે. અહીં હંમેશાં દુકાનો જ રહી છે. પહેલી દુકાનો તેની પણ પહેલાં છેક અગિયારમી સદીમાં લાગી ગઈ હતી. તે સમયે અહીં માછલીઓ વેચાતી અને સ્ટોર થતી હતી. આજે ત્યાં 60થી પણ વધુ દુકાનો છે. 

વોર્ફનો સૌથી સારો ફોટો યોર્ડની સામેની બાજુથી આવે છે. અને એ ખાસ સ્થળે મોટાભાગનાં ટૂરિસ્ટ ગ્રુપ હવે ફોટા પડાવવા લાઇનો લગાવીને ઊભાં રહે છે. તે રવિવારે બર્ગનના સેન્ટરમાં ઘણા ખૂણામાં તો ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. એટલું જ નહીં, અત્યારે દુનિયામાં વૉરની વાતો અને એવિયેશન યુઅલની તંગીની વાતો દરમ્યાન પણ નૉર્વેનો સૌથી ઉત્તરનો વિસ્તાર ટ્રોમ્ઝે ટૂરિસ્ટથી ઊભરાઈ રહૃાો છે. 

એક જમાનામાં સાવ નિર્જન બની રહેતો વિસ્તાર આજે રાત્રે અંધારામાં નૉર્ધર્ન લાઇટ્સ જોવા માટે દુનિયાભરથી આવેલા લોકો વચ્ચે ઓવરક્રાઉડ થઈ જવાની ફરિયાદો કરી રહ્યો છે. મજાની વાત એ છે, આટલી ડિમાન્ડ વચ્ચે પણ નૉર્વેના ઘણા એવા યોર્ડના ટાપુઓ પર લોકેશન્સ બાકી છે જ્યાં કોઈ ઘોંઘાટના પડછાયા પણ નથી પડતા. બર્ગનમાં ભીડના અનુભવ પછી અમે પણ એ શાંતિની દિશામાં જવા તૈયાર થઈ ગયેલાં. 

બરાબર એ વિચારો વચ્ચે ત્યાં હાન્સેઆટિક મ્યુઝિયમ દેખાયું. અને તે મ્યુઝિયમની અંદર આ શહેરની ગલીઓ કઈ રીતે દરેક સદીમાં શહેરમાં લાગેલી આગમાંથી ફરી ઊભરીને બહાર આવી છે એ જોવા મળ્યું. આજે તો વોર્ફ વિસ્તારમાં તે રંગીન દુકાનો પાસેથી નીકળવામાં પણ અચિવમેન્ટ ફીલ થાય છે. આવી રીતે રંગીન ઘરોની હારમાળા પણ આઇલ ઑફ સ્કાય, ફ્રાઇબર્ગ, સાન ફ્રાન્સિસ્કો, ઇટાલીમાં ક્યાંય પણ, કે પછી પૂણે પાસે લવાસામાં પણ જોવા મળી જાય છે. 

છતાંય આ બર્ગનનું ઓલ્ડ વોર્ફ તે બધાં કરતાં અલગ જ છે. ત્યાં સુવિનિયર ભલે લોકલ ન હોય, ત્યાંનાં કાફેનું ફૂડ એકદમ સ્થાનિક હતું. અમે ફિશ માર્કેટમાં પહેલાં જ જમી ચૂક્યાં હતાં, પણ ત્યાં ફરી નાશ્તો કરવાને બદલે અમે વોર્ફની બોટ રાઇડ લેવા માટે તૈયાર થઈ ગયાં. અને ખરેખર વોર્ફના બેસ્ટ ફોટો પાણીમાંથી આવે છે. બર્ગનમાં જ્યાં પણ જાઓ ત્યાં વોર્ફ કોઈ ને કોઈ રીતે સાથે આવતું હોય તેવું લાગતું હતું. શહેરની ચહેલપહેલથી હવે મન ભરાઈ ગયું હતું. ફરી યોર્ડ તરફ જવું પડે તેમ હતું.