મુંબઈ: બોલીવુડના 'કિંગ ખાન' શાહરૂખ ખાનના ચાહકો માટે વર્ષ 2026ની સૌથી મોટી ભેટ આવી ગઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કિંગ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે. વર્ષ 2023 માં 'જવાન'ની અભૂતપૂર્વ સફળતા બાદ શાહરૂખ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. આ ફિલ્મના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના બમણી કરી દીધી છે.
ફિલ્મ 'કિંગ'ના નવા ટીઝરની શરૂઆત બરફીલા પહાડોની વચ્ચે ઉભેલા શાહરૂખ ખાનથી થાય છે. ટીઝરમાં શાહરૂખ અત્યંત જખમી હાલતમાં, લોહીલુહાણ ચહેરા અને આંખોમાં ગુસ્સા સાથે જોવા મળે છે. એક દ્રશ્યમાં તે બિલ્ડિંગનો કાચ તોડીને કૂદતો દેખાય છે, જે તેના એક્શન પેક્ડ અવતારની ઝલક આપે છે. ટીઝરના અંતમાં શાહરૂખનો પાવરફુલ ડાયલોગ "ડર નહીં દહેશત હું" સાંભળવા મળે છે, જે રુંવાડા ઉભા કરી દે તેવો છે.
શાહરૂખ ખાને ટીઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. 'કિંગ' આ વર્ષે 24 ડિસેમ્બરના રોજ ક્રિસમસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે, શાહરૂખની આ ફિલ્મ હોલીવુડની મોટી ફિલ્મ 'અવેન્જર્સ: ડૂમ્સડે' (જે ૧૮ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે) સાથે સીધી ટક્કર લેશે. આમ, આ વર્ષના અંતે બોક્સ ઓફિસ પર બોલીવુડ અને હોલીવુડ વચ્ચે જોરદાર જંગ જામશે.
ફિલ્મ 'કિંગ'ની સ્ટારકાસ્ટ પણ અત્યંત પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, સુનીલ ગ્રોવર, અર્શદ વારસી, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ જેવા દિગ્ગજ કલાકારો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય કેટલાક મોટા નામો પણ આ ફિલ્મનો હિસ્સો હોઈ શકે છે, જેની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.
વર્ષ 2026 ભારતીય સિનેમા માટે ખૂબ જ મોટું સાબિત થવાનું છે. વર્ષની શરૂઆત 'બોર્ડર ૨' જેવી મોટી ફિલ્મથી થઈ છે અને હવે અંતમાં 'કિંગ' જેવી ફિલ્મો રિલીઝ થવાની છે. આ વર્ષે એક્શન, મસાલા મૂવીઝ અને પૌરાણિક કથાઓ પર આધારિત અનેક ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેના કારણે સિનેમાઘરોમાં આખું વર્ષ દિવાળી જેવો માહોલ રહેશે. શાહરૂખના ચાહકો હવે ૨૪ ડિસેમ્બરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.