(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. વાત એવી છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસુલાત કરવા હોર્ડિંગ-બોર્ડ લગાવવામાં આવ્યાં છે. રાજકોટ શહેરમાં મિલકત વેરો બાકી હોઈ તેવા મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવાની બોર્ડમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ શહેરમાં આવા અનેક હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યાં છે. આ પોસ્ટરોમાં નળ કનેક્શન કાપી નાખવાની, મિલકત સિલ કરવાની, જપ્ત કરવાની અને હરાજી કરવાની ધમકી આપવામાં આવી છે. આ સાથે કડક પગલાં ભરવાની ચેતવણી નાગરિકોને આપવામાં આવી છે.
તિજોરી તળીયા જાટક થતા મનપાએ આ રસ્તો અપનાવ્યો?
રાજકોટ શહેરના બાલ ભવન ચોક, રેસકોર્સ , મનપા કચેરી સહિતના સ્થળે મનપા દ્વારા હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યાં છે. તિજોરી ખાલી હોવાથી રાજકોટ મનપાએ વેરો વસૂલ કરવા આકરા પગલાં લેવાના શરૂ કર્યા છે. થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાએ 200 કરોડ રૂપિયાની લોન લીધી હતી. હવે મહાનગરપાલિકાની તિજોરી તળીયા જાટક થતા મિલકત ધારકોને ગર્ભિત ચીમકી આપવામાં આવી છે.
કરોડો રૂપિયાનો વેરો બાકી છે તેમને કેમ છાવરી લેવાયા?
લોકોએ આક્ષેપ કર્યો છે કે, રાજકોટ શહેરની અલગ અલગ સરકારી મિલકતોનો અંદાજિત 20 કરોડ કરતાં વધારેનો વેરો બાકી છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ શહેરમાં આવેલા મોબાઇલની અલગ અલગ કંપનીઓનો અને હાઈ પ્રોફાઈલ લોકોનો પણ કરોડો રૂપિયાનો વેરો પણ બાકી છે. મનપા આ લોકો પાસેથી વેરાની વસૂલાત નથી કરતી, શા માટે? આ લોકોને છાવરવામાં આવી રહ્યાં છે અને મધ્યમ વર્ગના લોકોને ગર્ભિત ચીમકી ઉચારવામાં આવી રહી છે. આવા આક્ષેપો લોકોએ મહાનગરપાલિકા પર કર્યા છે.