મુંબઈ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલીવુડમાં કામ મળવા બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં સત્તાના સમીકરણો બદલાયા છે અને કદાચ 'સાંપ્રદાયિક' કારણોસર તેમને હિન્દી ફિલ્મોમાં ઓછું કામ મળી રહ્યું છે. તેમના આ નિવેદનને લઈને વિવાદ છેડાયો છે. જોકે, રામાનંદ સાગરની રામાયણ સીરિયલના રામ અને મેરઠ લોકસભાના સાંસદ અરુણ ગોવિલે એઆર રહેમાનના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું છે.
જો બોલીવૂડમાં ભેદભાવ હોત તો...
FWICEના એક કાર્યક્રમમાં અરુણ ગોવિલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અરુણ ગોવિલે એઆર રહેમાનના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અરુણ ગોવિલે જણાવ્યું હતું કે, "આપણા ઉદ્યોગમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઈને તેના ધર્મને કારણે કામ ન મળ્યું હોય. ફિલ્મ ઉદ્યોગ કદાચ એકમાત્ર એવો ઉદ્યોગ છે જ્યાં કોઈ સાંપ્રદાયિક ભેદભાવ નથી."
અરુણ ગોવિલે આગળ જણાવ્યું કે, "જો ભેદભાવ હોત તો દિલીપ કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન જેવા કલાકારો ક્યારેય સુપરસ્ટાર ન બની શક્યા હોત." આમ, અરુણ ગોવિલે ખાન ત્રિપુટી અને દિલીપ કુમારનું ઉદાહરણ આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિનસાંપ્રદાયિક હોવાનું પ્રમાણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોતાના નિવેદનને લઈને વિવાદ વકરતા એઆર રહેમાને એક વીડિયો સંદેશ જાહેર કરીને સ્પષ્ટતા આપી હતી. વીડિયોમાં એઆર રહેવાનો પોતાના નિવેદનનો અર્થ શું હતો તે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. રહેમાનનું માનવું છે કે કલાના ક્ષેત્રમાં સર્જનાત્મક લોકોનું વર્ચસ્વ હોવું જોઈએ, નહીં કે માત્ર વહીવટી કે અન્ય પક્ષપાતી લોકોનું.