બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપ્રા સામાન્યપણે તો કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. પરંતુ આ દેસીગર્લ હાલમાં એક વીડિયો પર કરેલાં લાઈકને કારણે ચર્ચામાં આવી ગઈ છે. હવે તમને થશે કે મોટાભાગના સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ લાઈક કરતા હોય છે, તો પીસીએ કોઈ વીડિયો લાઈક કર્યો તો એમાં વિવાદાસ્પદ શું છે? તમારી જાણ માટે કે પીસીએ પોતાની કો-સ્ટારની ટીકા કરતાં એક વીડિયો પર લાઈન કર્યું છે અને એટલે તેની ચર્ચા ચાલી રહી છે.
એક સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિયેટરે વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે પ્રિયંકા ચોપરાને 'ટ્રુ ગ્લોબલ સ્ટાર' ગણાવી હતી. વીડિયોમાં પ્રિયંકાના શિસ્ત અને કામ પ્રત્યેના સમર્પણના વખાણ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં ક્રિયેટરે જણાવ્યું હતું કે કઈ રીતે પ્રિયંકા અમેરિકાથી મુંબઈ આવી, પોતાના બિઝનેસ અને શૂટિંગના કમિટમેન્ટ્સ પૂરા કર્યા અને થાક કે જેટ લેગની ફરિયાદ કર્યા વગર પાછી અમેરિકા રવાના થઈ ગઈ.
જ્યાં સુધી પીસીના વખાણ થઈ રહ્યા હતા ત્યાં સુધી બધું બરાબર હતું. પરંતુ વિવાદ તો ત્યારે શરૂ થયો જ્યારે આ વીડિયોમાં પ્રિયંકાની સરખામણી અન્ય અભિનેત્રીઓ સાથે કરવામાં આવી. વીડિયોમાં સ્પષ્ટપણે દીપિકા પાદુકોણનું નામ લઈને કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, દીપિકા જેવી અભિનેત્રીઓ તો કામ માટે 8 કલાકની શિફ્ટની માંગણી કરે છે, જ્યારે પ્રિયંકા કોઈ પણ વિશેષ માંગણી વગર સતત કામ કરે છે. વીડિયોના અંતમાં ક્રિયેટરે સવાલ પણ પૂછ્યો હતો કે શું આજની અન્ય અભિનેત્રીઓમાં પ્રિયંકા જેવો દમ છે?
પ્રિયંકાએ આ વીડિયો પર કોઈ કોમેન્ટ તો નથી કરી, પરંતુ તેણે આ રીલને 'લાઈક' કરી હતી. બસ, આ જ વાત દીપિકા પાદુકોણના ફેન્સને ખટકી ગઈ. દીપિકાના ફેન્સનું કહેવું છે કે પ્રિયંકાએ આવી નકારાત્મક સરખામણી વાળા વીડિયોને લાઈક કરીને દીપિકાનું અપમાન કર્યું છે. બીજી તરફ પ્રિયંકાના ફેન્સ તેને સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે માત્ર પોતાના વખાણ જોઈને વીડિયો લાઈક કર્યો હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કે પ્રિયંકા અને દીપિકાએ ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં સાથે કામ કર્યું છે અને બંને વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણીવાર ફેન્સ વચ્ચેની લડાઈ સેલિબ્રિટીઝ માટે મુશ્કેલી ઉભી કરે છે. અત્યારે તો ઈન્ટરનેટ પર આ 'લાઈક' મામલે ભારે ચર્ચા ચાલી રહી છે. તમે પણ આ વીડિયો ના જોયો હોચ તો અત્યારે જ જોઈ લો.