Fri May 01 2026

Logo

એક કેસમાં 1526 દિવસનો વિલંબઃ બોમ્બે હાઈ કોર્ટે પાલિકાની કાઢી ઝાટકણી, ઝડપી નિર્ણય લેવાની સલાહ આપી

2025-12-12 17:12:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈના જંગી આર્થિક વ્યવહારની જવાબદારી સંભાળી રહેલા બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા)ને મહેસૂલ બાબતો પર અમલદારશાહી જે ઝડપે ફાઈલ આગળ ધકેલે છે એની બદલે નિર્ણયો વીજળીની ઝડપે લેવા જણાવ્યું છે. 

અદાલતે દેશની સૌથી શ્રીમંત મહાનગરપાલિકાની ટીકા કરી હતી અને એક મહત્વપૂર્ણ મહેસૂલ કેસમાં અપીલ દાખલ કરવામાં 1526 દિવસના અસ્વીકાર્ય અને સમજી ન શકાય એવા વિલંબ માટે ટીકા કરી વિલંબને માફ કરવાનો ઇનકાર કર્યો હતો.

આશીર્વાદ શેલ્ટર્સ પ્રાઇવેટ લિમિટેડની માલિકીની મિલકતના કરપાત્ર મૂલ્યના નિર્ધારણને લગતી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જિતેન્દ્ર જૈનની ખંડપીઠે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી હતી અને તેને મહેસૂલની બાબતોમાં નિર્ણય લેવાની સલાહ આપી હતી. સ્મોલ કોઝિસ કોર્ટે 2 મે, 2016 ના દિવસે મુંબઈ મહાનગરપાલિકાનું મૂળ રૂ. 1.42 કરોડનું મૂલ્યાંકન રદ કરી કરપાત્ર મૂલ્ય વધારીને રૂ. 7.40 લાખ કર્યું હતું બાદમાં તેને વધારીને લગભગ રૂ. 30 લાખ કરવામાં આવ્યું હતું. 

મુંબઈ મહાનગરપાલિકા એક્ટની કલમ 218ડી હેઠળ પાલિકાએ 30 દિવસની અંદર આ નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરવાની જરૂર હતી. તેના બદલે, મર્યાદા સમાપ્ત થયા પછી જ તેમની અપીલ સમિતિ બોલાવવામાં આવી હતી ત્યાર બાદ 11 ઓગસ્ટ 2016, 2 ડિસેમ્બર 2016, 15 એપ્રિલ 2017 અને છેલ્લે 17 જૂન 2017ના બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણયને પડકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે, અદાલતે અવલોકન કર્યું હતું કે જો આ કાયદા હેઠળ અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે તો 30 દિવસની સમયમર્યાદા પછી સમિતિની બેઠક કેવી રીતે યોજાઈ તે સમજની બહાર છે.